ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) છેલ્લા બે દિવસથી મેઘરાજાએ કચ્છભરમાં વિરામ લેતા કિસાનો વાવેતરમાં જોડાઇ ગયા છે. મગફળી, દિવેલા, રામમોલ જેવા પાકોનું વાવેતર શરૂ કર્યું છે. અબડાસા તાલુકાના ગામોમાં ધીમીગતિએ વરસાદ ખેતી માટે જમીનને માફક વાતાવરણ સર્જાતા ખેડૂતોએ હિંમતભેર કામગીરી શરૂ કરી છે.
મગફળી લોકપ્રિય વાવેતર
વાયોર ઉપરાંત પદ્ધરવાડી, ઉકીર, વાગોઠ, ફુલાય, વાગાપદ્ધર, ભોઆ, સારંગવાડા, ચરોપડી મોટી નાની, બેર મોટી નાની, પખો, અકરી મોટી, ખારઇ, વલસરા જેવાં અનેક ગામોમાં આ વિસ્તારમાં સૌથી લોકપ્રિય મગફળીનું વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ રામમોલ, દિવેલા જેવા પાકોનું વાવેતર કરાય છે. મગફળીમા જીર, મઠડી, કાંતિ, 24 નંબર, સાત નંબર, 77 નંબર જેવી મગફળીના બિયારણનું વાવેતર કરાતું હોવાનું અહીંના વેપારી અગ્રણી હરેશભાઇ ઠક્કરે માધ્યમોને જણાવ્યું હતું.
મશીન દ્વારા વાવણી કરીને પહેલ
વાયોરના ખેડૂત ખાતેદાર વાગુભા નાનુભા જાડેજાએ ચાલુ વર્ષે પોતે આધુનિક ટેકનોલોજી પદ્ધતિથી વાવણી મશિન દ્વારા વાવણી કરી છે, એમાં માણસની જરૂર નથી હોતી મજૂરી ખર્ચ બચી જાય, જેની પોતે આ વિસ્તારમાં પહેલ કરી હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, પોતાનાં ટ્રેકટર દ્વારા ઓટોમેટિક ટેકનોલોજી વાવણી મશિનથી પહેલાં પોતાનાં ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં સફળતા મળી હતી અને બીજા ખેડૂતોએ પ્રેરણા લીધી હતી.
બિયારણોનો ઉપાડ વધ્યો
ગરડા પંથક વિસ્તારમાં મગફળી 40 કિલો એક મણના એવા આશરે બે હજારથી વધારે મગફળી બિયરણોનો ઉપાડ થયેલો હોવાનું ખેડૂતો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA