પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : રાધનપુર નગરના મુખ્ય બજાર માર્ગ પર નર્મદા કોલોની સામે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણીના પ્રવાહને કારણે આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો અને વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. આ ભંગાણ છતાં નગરપાલિકા તરફથી તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા.
સ્થાનિક રહીશો અને દુકાનદારો દ્વારા નગરસેવિકા જયાબેન ઠાકોરને જાણ કરવામાં આવી હતી. તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને નગરપાલિકા તંત્રને વિડિઓ સહિત જાણ કરી. ત્યારબાદ તંત્રે મરામત કાર્ય શરૂ કર્યું અને લગભગ ત્રણ કલાકના વિલંબ પછી પાણીના વેડફાટને અટકાવવામાં સફળતા મળી હતી.
આ ઘટનાએ નગરની પાણી પુરવઠા વ્યવસ્થાપન અને તંત્રની કાર્યક્ષમતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શહેરમાં પહેલેથી જ પાણીની અછત હોય એવામાં પાઈપલાઈન ભાંગવાની ઘટનાઓ પાણીના વેડફાટને વધારી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સામે યોગ્ય અને સમયસર કાર્યવાહીની માંગ ઉઠાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર