પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : રાધનપુરના મોટા ઠાકોરવાસ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી નળમાં પાણી આવતું નથી. આ મુશ્કેલી સામે વોર્ડ નં. 1ની નગરસેવિકા જયાબેન ઠાકોરની આગેવાની હેઠળ સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ નિયમિત પાણી વિતરણ અને સફાઈ કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે.
મહિલાઓએ નાની બજાર ટાવર પાસે આવેલા શૌચાલય અંગે પણ રોષ વ્યક્ત કર્યો હતો. શૌચાલયનું તળિયું તૂટેલું છે અને ગટર લાઇનથી જોડાણ ન હોવાથી રસ્તા પર ગંદકી ફેલાય છે. સફાઈ પણ નિયમિત રીતે થતી નથી. ટાવરથી છત્રી સુધીના વિસ્તારમાં ગટરો વારંવાર ઉભરાય છે.
વોર્ડ નં. 1માં ગટરોની યોગ્ય રીતે સફાઈ ન થવાના કારણે રસ્તાઓ પર ગંદું પાણી વહે છે. સ્થાનિકોએ નગરપાલિકા ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે અને ટેન્કર મારફતે પાણી પૂરું પાડવાની તથા પાણી બંધ હોવાના કારણોની સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. નગરપાલિકા પ્રમુખ કચેરીમાં હાજર ન હોવાનો પણ આક્ષેપ થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર