ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) ચોમાસાં દરમિયાન સામાન્ય રીતે રોડલાઈટમાં જવાથી કે પવનના લીધે શેરી લાઇટોને નુકસાન થતું હોય છે. જોકે, લોકોની ફરિયાદો બાદ માંડ કેટલીક સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાય છે. પરંતુ આ વખતે પાલિકાની ટીમે તત્પરતા દાખવીને લાઇટ સમારકામ પણ શરૂ કરી દેતાં ભુજમાં કેટલાક ભાગોમાં સાવ અંધારુ રહેતું નથી.
રોડલાઇટની સમસ્યા તાકીદે ઉકેલવા સૂચના
રોડલાઈટ સંદર્ભે કોઈ પણ પ્રકારની અગવડો ન ભોગવવી પડે એ હેતુથી ભુજ નગરપાલિકાનાં પ્રમુખ રશ્મીબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, દંડક રાજેશ ગોર તેમજ સત્તાપક્ષના નેતા કમલ ગઢવી દ્વારા રોડલાઈટ શાખાના ચેરમેન કશ્યપ ગોર ઉપરાંત સંલગ્ન શાખાના કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં રોડલાઈટને લગતા તમામ પ્રશ્નો યુદ્ધના ધોરણે ઉકેલવા જણાવાયું હતું.
શહેરમાં ચાર ટીમને કામે લગાડાઇ
રોડલાઈટ સમિતિના ચેરમેન કશ્યપ ગોરે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા રોડલાઈટ શાખા દ્વારા સમગ્ર ભુજ શહેરની રોડલાઈટ વ્યવસ્થા સુચારુરૂપે જાળવી રાખવા માટે દિવસ, રાતની બે પાળીમાં ચાર-ચાર ટીમને કામે લગાડીને નિરંતરપણે મેઈન્ટેનન્સ કામગીરી આગળ વધારાઈ રહી છે. ચાર ટીમમાંથી એક ટીમ માત્ર મુખ્ય માર્ગો પર જ્યાં એક સાથે મોટી સંખ્યામાં રોડલાઈટો બંધ છે એવા વિસ્તારોની અગ્રતા ક્રમે પસંદગી કરીને સમારકામ હાથ ધરશે.
ત્રણ ટીમ વોર્ડવાઇઝ ડ્રાઇવ ચલાવશે
ત્રણ ટીમને વિવિધ વોર્ડના નગરસેવકોની માગણી અનુસાર ક્રમશ: એક પછી એક વોર્ડમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરીને મોકલવામાં આવે છે. ઈન્ચાર્જ મુખ્ય અધિકારી અનિલકુમાર જાદવે આ કામગીરી સબબ વધુ ટીમ જોઈશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની ખાતરી આપી છે. સમગ્ર ચોમાસા દરમિયાન આ ટીમો સતત કાર્યશીલ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA