પાટણ, 19 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નં. 8, કલ્યાનેશ્વરની પોળમાં રહેતા 66 વર્ષીય નરેન્દ્રભાઈ ગણપતલાલ પંચાલનું રસ્તાના ખાડાના કારણે અકસ્માતમાં મોત થયું છે. નરેન્દ્રભાઈ દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને આજે વહેલી સવારે સોનીવાડા વિસ્તારમાં દૂધ આપવા જઈ રહ્યા હતા ત્યારે ખાડામાં સાયકલનું ટાયર ફસાતા તેઓ પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજાથી ઘટનાસ્થળે જ તેમનું અવસાન થયું હતું.
આ દુખદ ઘટનાને પગલે શહેરના કોર્પોરેટર ભરત ભાટીયાએ નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આક્ષેપ કર્યા છે. તેમણે રસ્તાઓના સમારકામ માટે તાત્કાલિક પગલાં લેવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
શહેરના જર્જરિત રસ્તાઓને લઈ સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. નગરપાલિકાની બેદરકારીને લીધે નિર્દોષ નાગરિકનું જાન ગયાનું કહેતા રહીશોએ તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર