ભરૂચ 5 જુલાઈ (હિ.સ.) : નેત્રંગ તાલુકાના પાડા ગામની એક પરિણિતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી પ્રેમિકા સાથે પ્રેમસંબંધ રાખતા પરિણિતાએ પતિ,સાસુ સસરા તેમજ પતિની પ્રેમિકા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પાડા ગામની જ્યોત્સના વસાવા નામની યુવતીના લગ્ન 2017 ના વર્ષમાં પાડા ગામના જ અનિલ દેવન વસાવા નામના યુવક સાથે થયા હતા.લગ્ન જીવન દરમિયાન તે એક પુત્રની માતા બની હતી. જ્યોત્સનાનો પતિ અનિલ વસાવા ઝઘડિયા જીઆઇડીસીમાં નોકરી કરે છે. લગ્ન બાદ આ યુવતી સાસરીમાં પતિ તેમજ સાસુ સસરા સાથે સંયુકત કુટુંબમાં રહેતી હતી. દરમિયાન છેલ્લા એક વર્ષથી અનિલને હેતલ વસાવા નામની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા અનિલ તેની પ્રેમિકા સાથે પ્રેમ લગ્ન કરવાનો હોય તે તેની પત્ની જ્યોત્સનાને સારી રીતે રાખતો નહી અને દારૂ પીને ઘરે આવીને તેની સાથે ઝઘડા કરતો હતો અને ગાળો બોલીને મારઝુડ કરતો હતો.અનિલના માતાપિતા પણ અનિલની તરફેણ કરીને જ્યોત્સનાને કહેતા હતા કે તારે અહિંયા રહેવું હોય તો શાંતિથી ઘરમાં પડી રહે નહિ તો તારા પિતાને ત્યાં જતી રહે તેનો પતિ અનિલ તેને માર મારતો હતો અને ઘરમાંથી નીકળી જવાનું કહેતો હતો . હું હેતલને રાખવાનો છું એમ કહેતો હતો.જ્યોત્સનાને વારંવાર ઘરમાંથી કાઢી મુકાતી હતી પરંતુ તે પોતાના નાના છોકરાના ભવિષ્યનો વિચાર કરીને બધું સહન કરીને સાસરીમાં રહેતી હતી.તેના સાસુ સસરા પણ કોઇને કોઇ બહાને તેની સાથે ઝઘડો કરતા હતા.ત્યારબાદ પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળીને જ્યોત્સના પિયરમાં માતા પિતા સાથે રહેતી હતી. ત્યારબાદ ગત તા.20 મી એપ્રિલના રોજ એક લગ્ન પ્રસંગમાં નાચવાની બાબતે તેના પતિ અનિલે ઝઘડો કર્યો હતો અને તે જ્યોત્સનાને પકડીને ઘરે લઇ ગયો હતો.ત્યારબાદ તેની સગા સંબંધીઓ દ્વારા સમાધાનની વાત કરવામાં આવતા જ્યોત્સનાના પતિ અનિલ અને સાસુ સસરાએ તેને રાખવાની ના પાડી હતી. આ સંદર્ભે જ્યોત્સના વસાવાએ પતિ અને સાસુ સસરા દ્વારા પોતાને ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે પતિ,સાસુ સસરા તેમજ અનિલ પરિણિત હોવાનું જાણતી હોવા છતાં તેની સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવતી સહિત ચાર વ્યક્તિઓ અનિલ દેવન વસાવા,દેવન બચુ વસાવા અને લીલા દેવન વસાવા ત્રણેય રહે.ગામ પાડા તેમજ હેતલ પ્રવિણ વસાવા રહે ફુલવાડી ઝઘડિયાની વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ