સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.)-વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે તારીખ 29/08/2025 ના રોજ સવારે 11:00 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૭મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 12 વિદ્યાશાખાઓના 79 અભ્યાસક્રમોના 40,745 યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં આવી. ઋષિકુમારોએ શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડા એ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, આચાર્ય, શિક્ષકવર્ગ, વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક શાબ્દિક સ્વાગત કર્યું હતું. પોતાના સ્વાગત સંબોધનમાં તેમણે 57મા પદવીદાન સમારોહની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર દરેક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૭મા પદવીદાન સમારોહમાં આચાર્ય દેવવ્રતજીએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું કે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કાર સાથેનો જીવંત સેતુ આપણને દિવ્ય ચેતનાઓ સુધી પહોંચાડે છે. તેમના પ્રવચનમાંથી યુવાનોને આ આધ્યાત્મિક સુર અને જીવનમૂલ્યોનો અમૂલ્ય સંદેશ પ્રાપ્ત થયો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ માત્ર પરંપરા કે રીત-રિવાજોમાં સીમિત નથી, પરંતુ એ જીવન જીવવાની વિજ્ઞાનસિદ્ધ પદ્ધતિ છે, જે માનવજાતને સત્ય, કર્તવ્ય અને ધર્મના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે છે. સંસ્કાર એ જ વ્યક્તિને સાચી દિશા બતાવે છે, જેને કારણે તે વ્યસનથી દૂર રહીને પ્રામાણિકતા, ઈમાનદારી અને જ્ઞાનના માર્ગે આગળ વધી શકે છે. આ સંસ્કારનો જ સેતુ યુવાનોને માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં, પરંતુ સમાજના કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન આપવાની શક્તિ આપે છે. તેમના પ્રવચનમાંથી યુવાનોને આધ્યાત્મિક સુર, નૈતિક મૂલ્યો અને જીવનને અર્થપૂર્ણ બનાવવા માટેનો અમૂલ્ય સંદેશ પ્રાપ્ત થયો.”
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પોતાના સંબોધનમાં અનેક વ્યક્તિગત ઉદાહરણો આપી સમજાવ્યું કે સાહસ અને મૂલ્ય શિક્ષણ યુવાનોના જીવનને કેવી રીતે ઉન્નત બનાવી શકે છે. તેમણે જણાવ્યું કે જીવનમાં પડકારો સામે ડગમગાયા વિના અડગ રહીને આગળ વધવું જ સાચું સાહસ છે, જ્યારે મૂલ્યો વ્યક્તિને જીવનભર સાચી દિશા આપે છે. સાહસ અને સંસ્કારના આ બે સ્તંભો યુવાનોને માત્ર વ્યક્તિગત કારકિર્દીમાં જ સફળતા અપાવતા નથી, પરંતુ તેમને સમાજ માટે જવાબદાર અને રાષ્ટ્રહિતમાં કાર્યશીલ નાગરિક બનાવે છે. પાનશેરીયાએ ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષણનો હેતુ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ તે જ્ઞાનને મૂલ્યો સાથે વણીને જીવનમાં ઉતારવાનો છે, જેથી યુવાનો દેશના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માતા બની શકે.”
આ પ્રસંગે કુલપતિ ડૉ. કે. એન. ચાવડા , કુલસચિવ ડૉ. આર. સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સભ્યઓ, વિવિધ વિદ્યાશાખાના ડીનઓ, વિભાગીય વડાઓ, કોલેજોના આચાર્યઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ, સ્કુલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કુલસચિવ ડૉ. રમેશદાન સી. ગઢવી દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે