અમરેલી, 30 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં આરોગ્ય વિભાગના આગેવાન અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભવ્ય આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ડી.ડી.ઓ.) તથા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (સી.ડી.એચ.ઓ.)ના માર્ગદર્શન અને હાજરીમાં યોજાયેલ આ આરોગ્ય મેળાનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે લોકો સુધી આરોગ્ય સુવિધાઓ સરળતાથી પહોંચાડવાનો હતો.
આ મેળામાં સ્થાનિક આરોગ્ય અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ તબીબી સ્ટાફની સાથે ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં વિવિધ આરોગ્ય સેવાઓ જેમ કે બ્લડ પ્રેશર, શુગર ટેસ્ટ, દાંત-આંખની તપાસ, સ્ત્રી આરોગ્ય, બાળકોના રસીકરણ સહિતની તપાસ અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી. ઉપરાંત, સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય સંભાળ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આયુષ્માન ભારત યોજના અંતર્ગત લાભાર્થીઓને હેલ્થ કાર્ડ તથા નિઃશુલ્ક સારવારની માહિતી પણ આપવામાં આવી. ગામજનોને તેમના આરોગ્ય સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે તબીબી નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ આરોગ્ય મેળાથી ગ્રામ્ય વિસ્તારમાં રહેલા સામાન્ય લોકોને તબીબી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ હોવાની ખુશી વ્યક્ત થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આવા આરોગ્ય મેળાઓ નિયમિત રીતે યોજાશે જેથી લોકો સુધી તબીબી સેવા અને આરોગ્ય જાગૃતિ વધુ વ્યાપક રીતે પહોંચી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai