સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછા ખાતે રહેતા યુવકે તેને જ સોસાયટીમાં રહેતી પરણીતાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. પરણીતાને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બાદમાં યુવકે પરણીતા સાથે લગ્ન નહીં કરી લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે કાપોદ્રા નાના વરાછા વિસ્તારમાં આવેલ કલ્યાણ કુટીર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય ફેનીલ દિનેશભાઈ અણઘણ એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ફેનીલને પોતાની જ સોસાયટીમાં રહેતી તેનાથી ઉંમરમાં 10 વર્ષ મોટી પરણીતા સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ તેની સાથે અવારનવાર વાતચીત કરી તેને પરિણીતા સાથે પ્રેમ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું અને બાદમાં પરણીતાને પણ વાતોમાં ભોળવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ ફેનીલ અવારનવાર પરણીતાને ઉતરાણ વિસ્તારમાં આવેલ હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધી તેનું શોષણ કરતો રહ્યો હતો. જો કે બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ ફેનીલે પરણીતા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર પરણીતા એ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફેનીલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી મોડી રાત્રે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે