પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર આવેલા ટોલ બૂથ પર થરાદના પરિવાર પર જીવલેણ હુમલો થયો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રસ્તાની ખરાબ હાલત હોવા છતાં ટોલ વસૂલવામાં આવી રહ્યો હતો. જ્યારે પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો, ત્યારે ટોલના કર્મચારીઓ ધોકા અને લાકડીઓ લઈને તેમના પર તૂટી પડ્યા. આ ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
થરાદના દિલીપભાઈ સાધુ પરિવાર સાથે અંજાર જતા હતા ત્યારે બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર બેરિયર બંધ હતો. ટોલ વસૂલાતો હોવા છતાં 'સિસ્ટમ બગડી ગઈ છે' કહીને ટોલ કર્મચારીઓએ દાદાગીરી શરૂ કરી. દિલીપભાઈના ભાઈ સાગરભાઈએ વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું ત્યારે આશરે 8-10 ટોલ કર્મચારીઓએ અપશબ્દો બોલી હુમલો કર્યો હતો અને મહિલાઓ સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું.
આ હુમલામાં દિલીપભાઈના પિતા દામોદરદાસના માથામાં ગંભીર ઈજા થતાં તેમને 10 ટાંકા મૂકવા પડ્યા છે. સાગરભાઈને ખભા પર લાકડીથી માર મારવામાં આવ્યો હતો. ઘાયલોને પહેલાં સાંતલપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા બાદ ધારપુર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ થરાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દિલીપભાઈએ સાંતલપુર પોલીસ મથકે હરેશ આહીર, લાલા આહીર, કમા આહીર, વજા આહીર અને પાંચ-છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ