પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના ભીલવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવક પર છરીથી હુમલો થયો છે. પીંપળા ગેટ ચોકી સામે રહેતા 26 વર્ષના અક્ષય સુરેશભાઈ ભીલ પર સુનીલ રમેશભાઈ ભીલે જીવલેણ હુમલો કર્યો હતો. સુનીલે અક્ષયની છાતી અને માથાના પાછળના ભાગે છરીના ઘા હાંકી હતી.
આ હુમલામાં સુનીલને તેની માતા સનુબેન રમેશભાઈ ભીલ અને ભાભી ભાવનાબેન લખનભાઈ ભીલની સહાય મળી હતી. બંને મહિલાઓએ અક્ષયને પકડી રાખ્યો અને ગાળો આપી હુમલાને સહકાર આપ્યો હતો, જેથી સુનીલ આરામથી છરીનો ઘા મારી શકે. હુમલા બાદ સુનીલે અક્ષયને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
આ બનાવ અંગે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 109, 351, 294(બી), 504 અને GP એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ