પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75મા જન્મદિવસે તેમની માતૃશ્રીના નામે બનેલા હીરાબા સરોવરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં પોતાની માતાને પાણી માટે સંઘર્ષ કરતો જોયા હતા, અને એ વેદનાને ધ્યાને લઈ ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો સંકલ્પ મુખ્યમંત્રી તરીકે કર્યો હતો.
આ સંકલ્પના અંતર્ગત વર્ષ 2005માં ઋષિ પંચમીના પવિત્ર દિવસે નરેન્દ્રભાઈ મોદીએ સરસ્વતી નર્મદા મહાસંગમથી પુણ્ય સલીલા નર્મદા અને સાબરમતીના નીરથી જળાભિષેક કરીને નદીઓના એકત્રિકરણના ઐતિહાસિક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ પહેલ દ્વારા સમગ્ર રાજ્યમાં પાણીના સ્રોતોને જોડવાનો પ્રેરક પ્રયાસ થયો હતો.
નરેન્દ્રભાઈ મોદીએ પાણીને વિકાસનો આધાર બનાવ્યો અને લોકોને જોડીને બોરીબંધ, ચેકડેમ અને નદી પુનરુત્થાન જેવા કામો દ્વારા પાણીના સુદ્રઢ સંચાલન માટે પગલાં લીધાં. પરિણામે રાજ્યના અંતિમ ગામ સુધી ખેતી અને પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ