પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.): રાધનપુર શહેરમાં માર્ગો, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઈટ, રખડતા ઢોર, પીવાના પાણી, વરસાદી પાણીના નિકાલ, દવા છંટકાવ અને સફાઈ જેવી સમસ્યાઓને લઈને નાગરિકોએ નગરપાલિકા કચેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. નગરસેવક જયાબેન ઠાકોર સહિતની મહિલાઓએ નગરપાલિકા પ્રમુખના કાર્યાલયે જઈ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રમુખની ગેરહાજરીથી નારાજગી વધી હતી.
વિરોધકર્તાઓએ નગરપાલિકા પ્રમુખ ગુમ છે તથા સત્તાધિશોને પ્રજાની ચિંતા નથી જેવા બેનરો સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન નગરપાલિકા પ્રમુખની ખુરશી પર પણ “પ્રમુખ ગુમ છે” લખેલો બેનર મૂકવામાં આવ્યો હતો. નાગરિકોનો આક્ષેપ છે કે પ્રમુખ સતત ગેરહાજર રહેતા શહેરી સમસ્યાઓનો ઉકેલ જ મળતો નથી, જેને કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.
સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા કિટ અને પગાર વધારો જેવી માંગણીઓ પણ રજુ કરવામાં આવી હતી. ઉપરાંત, નાગરિકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી શહેરની વસ્તીને અનુરૂપ કર્મચારીઓની સંખ્યામાં ઊણપ છે તે મુદ્દો ઊઠાવ્યો હતો. જેને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવાં જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ