પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાની સમાજ સંગઠન શાખા દ્વારા શહેરી વિસ્તારના ફેરીયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ ફેરીયાઓને યોજનાના લાભથી જોડી તેમના વ્યવસાય માટે બેંક લોન મેળવવામાં સહાયરૂપ થવાનો હતો.
આ પ્રસંગે પાટણ શહેરની વિવિધ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ફેરીયાઓને રૂ. 15 હજાર, રૂ. 25 હજાર અને રૂ. 50 હજાર સુધીની લોન આપવાની જોગવાઈ વિશે માહિતી આપવામાં આવી હતી. અગાઉ આ યોજનામાં રૂ. 10 હજારથી શરૂ થતાં લોનના વિકલ્પો હતા, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે.
પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે ફેરીયાઓને અપીલ કરી હતી કે તેઓ નિયમિત રીતે હપ્તા ભરશે તો વધુ લોન મળવા યોગ્ય બની શકે છે. સાથે પાટણના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ખાદ્યપદાર્થો વેચતાં ફેરીયાઓએ તેમના ધંધા માટે જરૂરી લાયસન્સ તરત મેળવી લેવા ફરજિયાત છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ