નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ વર્ષના તહેવારોને જીએસટી બચત ઉત્સવ તરીકે ઉજવવાની અપીલ કરી. નવા જીએસટી દરો દરેક ઘર માટે વધુ બચત કરશે અને વેપાર અને વ્યવસાય જગતને નોંધપાત્ર રાહત આપશે.
સોમવારે, પ્રધાનમંત્રીએ દેશવાસીઓને એક વિગતવાર પત્ર શેર કર્યો, જેમાં તેમણે આગામી તહેવારો માટે શુભેચ્છાઓ પાઠવી અને નવા કર સુધારાઓની વિગતવાર માહિતી આપી. પત્રમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બરથી અમલમાં આવેલા નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાઓનો સીધો લાભ સામાન્ય લોકોને થશે. હવે, સાબુ, ટૂથપેસ્ટ, બિસ્કિટ, ચંપલ, સાયકલ, રમકડાં, કપડાં, ઘરગથ્થુ ઉપકરણો અને વાહનો જેવી રોજિંદી આવશ્યક વસ્તુઓ પહેલા કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. વેપારીઓ અને દુકાનદારો પહેલાં અને હવે ના બોર્ડ પ્રદર્શિત કરી રહ્યા છે જેથી લોકોને સામાન્ય વસ્તુઓ કેટલી સસ્તી બની ગઈ છે, તે બતાવી શકાય.
પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે, જીએસટી યાત્રા 2017 માં શરૂ થઈ હતી, જે દેશને એક રાષ્ટ્ર, એક કર તરફ દોરી ગઈ હતી. તેમણે કહ્યું કે, નવા સુધારાઓ સાથે, જીએસટી ના લાભો હવે સમાજના દરેક વર્ગ સુધી વધુ વ્યાપક રીતે પહોંચશે. આનાથી ગ્રાહકોને રાહત મળશે અને વ્યવસાયોને સરળતા અને પારદર્શિતા મળશે.
પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં આત્મનિર્ભર ભારતની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે દેશના લોકો સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપશે, ત્યારે તે ફક્ત ભારતીય ઉદ્યોગ અને વ્યવસાયોને મજબૂત બનાવશે નહીં પરંતુ લાખો નવી નોકરીઓનું સર્જન પણ કરશે. તેમણે લખ્યું, હું આપણા ઉદ્યોગપતિઓ અને વેપારીઓને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે પણ વિનંતી કરું છું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં દેશે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, અને દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે આ સુધારા 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
અંતે, પ્રધાનમંત્રીએ તમામ દેશવાસીઓને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે બચત કરવા, સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અને તહેવારો ઉજવવા અપીલ કરી. તેમણે લખ્યું, મારી ઈચ્છા છે કે, જીએસટી બચત ઉત્સવ દરેક પરિવારમાં ખુશી અને સમૃદ્ધિ લાવે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ