સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓ અને ગરબાનાં આયોજકોમાં ચિંતાનું મોજું પ્રસરી વળ્યું છે. ગઈકાલે સવારથી શરૂ થયેલા શ્રીકાર વરસાદને પગલે શહેરમાં મોટા ભાગનાં ગરબાનાં આયોજકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાની સ્થિતિને પગલે ગરબાનાં કાર્યક્રમો પણ બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારે આજે પણ સવારથી શહેરનાં અલગ - અલગ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ દોડતું નજરે પડ્યું હતું. આજે કાળા ડિબાંગ વાદળોની હાજરી વચ્ચે છુટાછવાયા વરસાદને પગલે વાતારણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. બીજી તરફ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમનાં સત્તાધીશો દ્વારા સુરત કલેકટર સહિત મ્યુનિસિપલ કમિશનરને પણ પત્ર લખીને હરસંભવ સ્થિતિને પહોંચી વળવા માટે તાકિદ કરવામાં આવી છે.
નવરાત્રિનાં આગમન સાથે જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, રવિવારે સવારથી જ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાતાં ખૈલેયાઓમાં ભારે નિરાશા પ્રસરી જવા પામી હતી. આજે પણ રાજ્યનાં કચ્છ, જામનગર, રાજકોટ અને અમરેલી સહિત ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારથી જ શહેરમાં પણ છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદને પગલે ઠેક-ઠેકાણે કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય નજરે પડ્યું હતું. ખાસ કરીને ખુલ્લા પ્લોટ્સ પર ગરબાનાં આયોજકોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. વરાછામાં ઉમિયા ધામ ખાતે પણ ગરબાનાં સ્થળે વરસાદી પાણીનો ભરાવો થતાં આજે પણ સંભવતઃ ગરબાનાં કાર્યક્રમ રદ્દ કરવા પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે. ખાસ કરીને ગરબાનાં પ્રોફેશનલ આયોજકો છેલ્લા બે દિવસથી વરસાદનાં આગમનને પગલે ચિંતામાં સરી પડ્યા છે. આજે પણ સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાનાં આગમનને પગલે મોટા ભાગનાં ગરબાનાં કાર્યક્રમો રદ્દ કરવા પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે