સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.) શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની કતારગામ વિસ્તારમાં વસ્તા દેવડી રોડ ઉપર હીરાની ઓફિસ આવેલી છે. આઠ મહિના પહેલા તેમના ભાગીદાર મારફતે એક હીરા દલાલે અન્ય વેપારી સાથે મળી તેમની પેઢીમાંથી રૂપિયા 4.78 લાખના હીરાની ખરીદી કરી હતી. જોકે બાદમાં તેઓએ એક પણ રૂપિયો નહીં ચૂકવી પૈસા આપવામાં ગલ્લાતલ્લા સમય પસાર કરી હાથ ઊંચા કરી લીધા હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ઠગ બાજ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલીના વતની અને સુરતના કતારગામ વિસ્તારમાં રાશી સર્કલ પાસે આવેલ રાજાનંદ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ રામજીભાઈ સોજીત્રા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કતારગામ વિસ્તારમાં વસતા દેવડી રોડ પર જગદીશ એસ્ટેટમાં તેમની હીરાની ઓફિસ આવેલી છે. દિનેશભાઈ તથા નરેશભાઈ હિરાણી બંને ભાગીદારીમાં હીરાનો વેપાર કરે છે. ફેબ્રુઆરી 2025 માં દિનેશભાઈના ભાગીદાર નરેશભાઈ પાસે હીરા દલાલ મુકેશ પરવાળાવાળા સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ હીરા દલાલ મુકેશ મારફતે હીરાના વેપારી તરુણભાઈ તુલસીભાઈ જાસોલીયા સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ તારીખ 27/2/2025 ના રોજ નરેશભાઈ પાસેથી રૂપિયા 4.78 લાખના હીરાની ખરીદી કરી હતી. આ પૈસા ટૂંક સમયમાં ચૂકવી આપવાનો વાયદો આપ્યા બાદ બંનેએ પૈસા આપવામાં ગલ્લાંતલ્લા કરી માત્ર સમય પસાર કર્યો હતો અને બાદમાં એક પણ રૂપિયો નહીં આપી જવાબ આપવાનો બંધ કરી દીધું હતું. જેથી આખરે નરેશભાઈ અને દિનેશભાઈએ ભેગા મળી મુકેશભાઈ તથા તરુણભાઈ પાસે પૈસાની માંગણી કરતા તેઓએ યોગ્ય જવાબ આપ્યો ન હતો અને બાદમાં દિનેશભાઈ ને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ તથા તેઓએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ઠગ બાજો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે