મહેસાણા, 6 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લામાં આવનારા ખેલ મહાકુંભ-2025 અને સાંસદ ખેલ મહોત્સવ-2025ને સફળ બનાવવા માટે પૂર્વ તૈયારી, આયોજન અને રજિસ્ટ્રેશન સંબંધિત મુદ્દાઓ પર નિવાસી અધિક કલેક્ટરશ્રી જશવંત કે. જેગોડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. બેઠકમાં પ્રાંત અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી, વિવિધ વિશ્વવિદ્યાલયોના પ્રતિનિધિઓ, સંસ્થાઓ તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવનો આશય પ્રતિભાશાળી ખેલાડીઓને શોધી તેમને યોગ્ય તક પૂરી પાડવાનો તેમજ રમતવીરોના સર્વાગી વિકાસનો છે. આ મહોત્સવ માટે વધુમાં વધુ ખેલાડીઓ રજિસ્ટ્રેશન કરે તે માટે તંત્ર ખાસ પ્રયત્નશીલ છે.
ખેલ મહાકુંભ-2025માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ ફરજિયાત 22 સપ્ટેમ્બર 2025 સુધી https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવી પડશે. જ્યારે સાંસદ ખેલ મહોત્સવ માટે 20 સપ્ટેમ્બર 2025 સુધી https://sansadkhelmahotsav.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનારી રમતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ-મહેસાણાના કંટ્રોલ રૂમ નં. 9173096635 પર સંપર્ક કરી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR