

સુરત, 12 જાન્યુઆરી (હિ.સ.) : સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતા મહિલા નાયબ મામલતદાર હિનીષા પટેલએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાથી વહીવટી તંત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, 36 વર્ષીય હિનીષા પટેલ આજે સવારે લગભગ 10 વાગ્યે રાંદેર સ્થિત તેમના નિવાસસ્થાનના બેડરૂમમાં દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જાણ થતાં જ પરિવારજનો તથા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી, જેના કારણે મામલો વધુ રહસ્યમય બન્યો છે.
દર્દનાક બાબત એ છે કે હિનીષા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. બંને સાથે રહેતા હતા અને એક સુખી પરિવાર તરીકે ઓળખાતા હતા. તેવામાં આ પ્રકારના અંતિમ પગલાંને લઈને વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે.
રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર આર. ચૌધરીએ જણાવ્યું હતું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતકનો મોબાઇલ ફોન કબજે કરી કોલ ડિટેલ્સ તથા સોશિયલ મીડિયા એક્ટિવિટી તપાસવાનું શરૂ કર્યું છે.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. પોસ્ટમોર્ટમ અને અંતિમવિધિ બાદ પરિવારજનોના નિવેદન લેવામાં આવશે. પ્રાથમિક તપાસમાં પારિવારિક તણાવ કે કામનો ભાર કારણ બન્યો હોય તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે