
અમરેલી,, 12 જાન્યુઆરી (હિ.સ.) લાઠી–અમરેલી હાઇવે પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. લાઠી–અમરેલી માર્ગ પર બાઇક અને ફોર વ્હીલર વાહન વચ્ચે ટક્કર થતાં ટોડા ગામના બાઇકચાલક ખેડૂતનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ટોડા ગામના ખેડૂત કનુભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડીયા ખેતરેથી પોતાના ગામ ટોડા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ફોર વ્હીલર સાથે તેમની બાઇકનો અકસ્માત થયો. ટક્કર એટલી જોરદાર હતી કે કનુભાઈને ગંભીર ઇજાઓ પહોંચી અને તેઓએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો. ખેતરથી ઘરે પરત ફરી રહેલા ખેડૂતને કાળ આવી ગયો હોવાનું લોકોમાં ચર્ચાતું રહ્યું.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં મૃતક કનુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લાઠી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની માહિતી મળતા લાઠી પોલીસ સ્થળ પર પહોંચી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસે ફોર વ્હીલર ચાલકની પૂછપરછ શરૂ કરી છે તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. આ અકસ્માતે ફરી એકવાર હાઇવે પર માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai