ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર 24 કલાકમાં બીજી અકસ્માતની ઘટના, માટીના પાળાને કારણે કાર પલ્ટી
અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બીજી ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે આ હાઈવે હવે અકસ્માત ઝોન બનતો જાય તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાફરાબાદ તાલુકાના હેમાળ અને છેલણા ગામ વચ્ચે નેશનલ હ
ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર 24 કલાકમાં બીજી અકસ્માતની ઘટના, માટીના પાળાને કારણે કાર પલ્ટી


અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બીજી ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે આ હાઈવે હવે અકસ્માત ઝોન બનતો જાય તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાફરાબાદ તાલુકાના હેમાળ અને છેલણા ગામ વચ્ચે નેશનલ હાઈવે પર ફોર વ્હીલર કાર અચાનક પલ્ટી મારી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ હાઈવે પર પડેલા માટીના પાળાને કારણે કારનું સંતુલન બગડ્યું અને કાર રોડ પર પલ્ટી મારી ગઈ. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. કારમાં મુસાફરી કરી રહેલા એમપી (MP)ને સદનસીબે કોઈ ગંભીર ઈજા ન થતા આબાદ બચાવ થયો હતો, જેને લઈને સૌએ હાશકારો અનુભવ્યો હતો.

અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં ક્રેનની મદદથી પલ્ટી મારેલી કારને રોડ પરથી બહાર કાઢવામાં આવી હતી, જેથી ટ્રાફિક ફરી શરૂ કરી શકાય. ઘટના બાદ થોડા સમય માટે વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.

ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર વારંવાર થતા અકસ્માતોને લઈ વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાઈવે પર જગ્યાજગ્યાએ પડેલા માટીના પાળા અને અધૂરા કામને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે પરથી માટીના પાળા દૂર કરવાની અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande