

ગાંધીનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે યુવાનો માટે આદર્શરૂપ અને પ્રેરણારૂપ એવા સ્વામી વિવેકાનંદજીની ૧૬૩મી જન્મજયંતી 'રાષ્ટ્રીય યુવા દિવસ'ના અવસરે તેમના તૈલચિત્ર સમક્ષ ભાવપૂર્ણ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.
આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી છે. સ્વામી વિવેકાનંદ યુવાનોના પ્રેરણામૂર્તિ છે. આજે વિશ્વમાં સૌથી વધુ યુવાઓ ભારત દેશમાં છે. વિવેકાનંદજીના વિચારો ‘જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ પુરુષાર્થને કર્મ સમજીને જો ભારતના યુવાનો કાર્ય કરશે ત્યારે જ ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વામી વિવેકાનંદજીનું સ્વપ્ન સાકાર થશે.
આ પ્રસંગે એ.પી.એસ અને હિલવુડ શાળાના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવન પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવાની સાથે સન્માન પત્ર આપી પુરસ્કૃત કર્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય સંજય કોરાડિયા, ગુજરાત વિધાનસભા સચિવ સી. બી. પંડ્યા, વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ પણ સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પો અર્પણ કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ