
ગાંધીનગર, 14 જાન્યુઆરી (હિ.સ.) : મકરસંક્રાતિ એટલે કે તહેવાર દરમિયાન પતંગો ઉડાવવા માટે પ્લાસ્ટિક, સિંથેટીક મટીરીયલ, ટોક્સિક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ વગેરેથી તૈયાર કરેલા પાકા દોરા, ચાઈનીઝ બનાવટના દોરાના કારણે માણસો, પક્ષીઓ, પશુઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોવાના બનાવો રોકવા અને પશુ-પક્ષીઓને થતી વિપરીત અસર નિવારી શકાય તે માટે કેટલાંક નિયંત્રણો જરૂરી છે. તહેવાર દરમ્યાન ચાઈનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્નમાં હલ્કી કવોલીટીના સળગી જાય તેવા વેકસ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે તેમજ સળગતી તુકકલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલને નુકસાન થાય છે. આવા દોરા 'નોન બાયોડીગ્રેબલ હોવાથી તુટેલા અને વણવપરાયેલા દોરાઓ જમીન ઉપર પડી રહેતા હોય છે જેના કારણે પાણીના નિકાલની ગટર પાઈપલાઈનો અને કુદરતી પાણીના વહેણ અવરોધાય છે. તેમજ પ્રાણીઓના ચારામાં આવા પ્લાસ્ટિક દોરાઓ ભળી જતા હોય પશુ મૃત્યુના બનાવો બનતા હોય છે.
ઉપરોક્ત તમામ બાબતોની ગંભીરતાથી નોંધ લેતા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ ૧૬થી ૧૮ના રોજ નાગરિકોને અનોખા અભિયાનમાં જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં નગરજનો પોતે આ અભિયાનમાં જોડાતા પોતાના આસપાસના વિસ્તારમાં પડેલા દોરીના ગુંચળા અથવા પશુ પક્ષી પ્રાણીઓ સાથે સાથે માણસોને પણ નુકસાન પહોંચાડે તે રીતે જ્યાં ત્યાં લટકતી દોરીઓ એકત્ર કરી સેક્ટર -૨૧, રાજેશ્રી સિનેમા પાસે RRR સેન્ટર ખાતે જમા કરાવી શકે છે. જેનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે. જેથી મકરસંક્રાંતિના પર્વ સાથે તેના પછીના દિવસોમાં પણ લોકો સુરક્ષિત રહે તથા સ્વચ્છ ગાંધીનગર સાથે સુરક્ષિત ગાંધીનગર અભિયાનમાં તમામ નાગરિકો સહભાગી બને.
અબોલ પશુ પક્ષીઓ કે, પછી અન્ય કોઈ વ્યક્તિ પણ ઉતરાયણ પછી, જ્યાં ત્યાં પડી રહેતા દોરીના વેસ્ટેજથી ઇજાગ્રસ્ત ન થાય કે, પછી કોઈ જાનહાની ન થાય તે માટે જવાબદાર નાગરિક બની આપણે સૌ આપણી ફરજ નિભાવીએ. જ્યાં ત્યાં પડેલા દોરીના ગુંચડા એકઠા કરી કોર્પોરેશને કરેલી વ્યવસ્થા મુજબ જમા કરાવીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ