

ગાંધીનગર, 14 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગરની અગ્રણી શિક્ષણ સંસ્થા કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમના જીવદયાવાન યુવાનો દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી સતત ‘મિશન સેફ સ્કાય’ કડી અને ગાંધીનગર વિવિધ વિસ્તારોમાં આયોજન કરાય છે જેનો મુખ્ય હેતુ ઉત્તરાયણ દરમિયાન ઘાતક ચાઈના દોરીના ઉપયોગને અટકાવી પક્ષીઓ તેમજ માનવજીવનને સુરક્ષિત રાખવાનો છે. આ વર્ષે પણ યુવાનો દ્વારા નગરના વિવિધ જાહેર સ્થળોએ રેલી, બેનરો અને સૂત્રોચ્ચાર મારફતે નાગરિકોને ચાઈના દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી. સાથે જ, પક્ષીઓના જીવને જોખમ ન પડે તે માટે પતંગ ઉડાડવાના સમય અંગે—સવારે ૬ થી ૯ અને સાંજે ૫ થી ૭—પતંગ ન ચગાવા વિનંતી કરવામાં આવી. આ અભિયાન દ્વારા ૩૫૦૦થી વધુ નાગરિકો સુધી જીવદયાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો, જેમાં નગરજનોનો ઉત્તમ સહકાર મળ્યો અને અનેક નાગરિકો અભિયાન સાથે જોડાયા.
ઉત્તરાયણના એક અઠવાડિયા અગાઉથી શરૂ થયેલા આ મિશનમાં સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. સંસ્થા સંલગ્ન શાળાઓમાં વર્ગખંડ મુલાકાતો તેમજ સોસાયટી, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. આ દરમિયાન નીચે મુજબના અસરકારક સૂત્રો દ્વારા અપીલ કરવામાં આવી: બંધ કરો, બંધ કરો — ચાઈના દોરી બંધ કરો...ભૂલશો નહીં ભાઈ, ભૂલશો નહીં — પક્ષીઓને ભૂલશો નહીં...બચ્ચાઓ બચ્ચાઓ — પક્ષીઓ બચાઓ...હમ સબને યે ઠાના હૈ — પક્ષીઓ કો બચાના હૈ....દોરી નહીં, દયા જોઈએ — પક્ષીઓની રક્ષા જોઈએ....પતંગ ઉડાવો શોખથી — પક્ષીઓને બચાવો દિલથી...
અભિયાન દરમિયાન ગાંધીનગર અને કડી વિસ્તારમાં જીવદયા માટે કાર્યરત સંસ્થાઓના સંપર્ક આપવામાં આવ્યા જેથી ઇજાગ્રસ્ત પક્ષીઓને સમયસર સારવાર મળી શકે. આ સમગ્ર પ્રોજેક્ટ સર્વ નેતૃત્વના રાહુલભાઈ સુખડિયા આગેવાની હેઠળ ધ્રુવીલ ગોસ્વામી, પ્રથમ લુહાર, શ્યામ અગારા અને ઝીલ દેસાઈએ સંભાળી હતી, જ્યારે અનેક સ્વયંસેવકોના સહયોગથી ‘મિશન સેફ સ્કાય’ને વ્યાપક સફળતા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ