

અમદાવાદ, 14 જાન્યુઆરી (હિ.સ.) : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે મકરસંક્રાંતિના પર્વે નારણપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તકના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-૨ના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથે સુરક્ષિત અને સુવ્યવસ્થિત આવાસો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી હાઉસિંગ બોર્ડ હેઠળના આવાસોનું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. શહેરના સુવ્યવસ્થિત વિકાસમાં આવી યોજનાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે આ યોજના હેઠળ કુલ ૧૩૨ મૂળ રહીશ લાભાર્થીઓને હયાત ૩૬.૮૨ ચો.મી.ના સ્થાને ૫૧.૫૪ ચો.મી.નાં નવાં મકાનો મળશે. જ્યારે અન્ય ૧૪૪ રહેણાંક મકાનો તેમજ ૪૧ દુકાનો મુક્ત વેચાણ માટે બનાવવામાં આવશે.
આ તમામ મકાનોમાં RCC ફ્રેમ ટેક્નોલોજી પ્રકારનું બાંધકામ, કમ્પાઉન્ડ વોલ, આંતરિક રસ્તાઓ તથા પાર્કિંગ, લિફ્ટ, સુચારુ ગટર વ્યવસ્થા, સિક્યોરીટી કેબિન, ફાયરફાયટિંગ સિસ્ટમ, વૉટર કનેક્શન, અગાસી પર આધુનિક વોટર પ્રૂફિંગ, સોલાર સિસ્ટમ, વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા, કેમ્પસ ગાર્ડનીંગ લેન્ડ સ્કેપિંગ, આપાતકાલીન પરિસ્થિતિઓ માટે જનરેટર સહિતની સુવિધાઓ મળશે.
મકરસંક્રાંતિના પર્વે શહેરના નારણપુરા વિસ્તારમાં સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-૨ની પીપીપી ધોરણે તૈયાર થનાર એમઆઈજી સ્કિમનું ભૂમિપૂજન કરવામાં આવતાં રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય જિતેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અગ્રસચિવ એમ. થેન્નારસન તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નાગરિક ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ