


પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ પતંગરસિયાઓ ધાબાઓ પર ચઢી પતંગ ચગાવતા જોવા મળ્યા, અને “એ લપેટ… કાપ્યો છે…” જેવા ઉલ્લાસભરા અવાજોથી શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ઉત્તરાયણ પર્વ નિમિત્તે પરંપરાગત ઊંધિયું, ફાફડા અને જલેબી આરોગવાની ખાસ પરંપરા છે. આ વાનગીઓનો સ્વાદ માણવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટોલો પર વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળતી હતી.
મહોલ્લાઓ, પોળો અને સોસાયટી વિસ્તારોમાં પતંગ ચગાવવાની સાથે ખાણી-પીણીનો માહોલ પણ જામ્યો હતો. નાના ભૂલકાઓથી માંડીને વડીલો સુધી સૌ કોઈએ પતંગબાજી અને સ્વાદિષ્ટ વાનગીઓની જ્યાફત સાથે આનંદ અને ઉલ્લાસભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ