

પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.) : મકરસંક્રાંતિના પાવન પર્વે પાટણના ચક્રવર્તી સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહની 883મી પુણ્યતિથિ નિમિત્તે બુધવારે શહેરના બગવાડા દરવાજા ખાતે આવેલી તેમની પ્રતિમાને રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજપૂત સમાજ દ્વારા પંચામૃતથી અભિષેક પણ કરવામાં આવ્યો હતો.
વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802માં અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. ત્યારબાદ ચાવડા, વાઘેલા અને સોલંકી વંશના રાજાઓએ પાટણ પર શાસન કર્યું, જેમાં સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ માનવામાં આવે છે. રાજા સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણ ગુજરાતની રાજધાની હતી અને તેમણે રાજ્યના સીમાડાઓ વિસ્તરાવ્યા હતા.
ઉત્તરાયણના દિવસે જ સમ્રાટ સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયેલું હોવાથી, મકરસંક્રાંતિના દિવસે તેમની પુણ્યતિથિ મનાવવામાં આવે છે. આ અવસરે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નગરના આગેવાનો હાજર રહ્યા હતા અને મહારાજાની યશોગાથાનું સ્મરણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ