
પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરમાં લગ્નપ્રસંગોમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ ચોરી કરનાર કુખ્યાત કડિયા સાંસી ગેંગના બે સભ્યો નકુલ રાજકુમાર સિસોદીયા અને ક્રિશ્ના બીરૂ ઉર્ફે બીરૂ પ્રભુ સિસોદીયાને પાટણની જ્યુડિશિયલ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. બંનેને રૂ. 5000-5000ના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
આ આરોપીઓ વર્ષ 2014, 2019 અને 2022 દરમિયાન પાટણમાં લગ્નપ્રસંગોમાં સારા કપડાં પહેરી મહેમાન બનીને પ્રવેશ કરતા અને ભેટ, ચાંલ્લાની રોકડ તેમજ દાગીનાથી ભરેલી બેગોની ચોરી કરતા હતા. લાંબા સમયથી ફરાર રહેલા આ આરોપીઓની ધરપકડ બાદ વર્ષોથી વણઉકેલ્યા કેસો ઉકેલાયા છે.
નકુલ રાજકુમાર સિસોદીયા સામે પાટણમાં ત્રણ ગુના નોંધાયેલા છે. 28 નવેમ્બર 2022ના રોજ ખોડાભા હોલમાંથી રૂ. 8.08 લાખના દાગીના ભરેલી બેગ તથા તે જ દિવસે જે.જે. પાર્ટી પ્લોટમાંથી દાગીના, રોકડ અને ફોન ચોરીનો ગુનો નોંધાયો હતો. ઉપરાંત 2019માં ચાણસ્માના મામેરામાંથી રોકડ અને દાગીના મળીને અંદાજે રૂ. 5.65 લાખની ચોરી કર્યાનો આરોપ છે.
ક્રિશ્ના બીરૂ સિસોદીયા સામે 12 ડિસેમ્બર 2014ના રોજ પાટણના ફાઈવ એલ.પી. ભવનમાંથી રૂ. 3 લાખની કિંમતના 10 તોલાના હારની ચોરીનો ગુનો નોંધાયો હતો. કુલ મળીને ચાર લગ્નપ્રસંગોમાંથી રૂ. 17.13 લાખના દાગીના અને રોકડની ચોરી થયાનું બહાર આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ