
ગીર સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગના પરિસરમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક બન્યું છે. ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનું મહાત્મ્ય દર્શાવતા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ આ પર્વમાં નવનીત ઉર્જા પૂરી પાડી છે. સરદાર પરિસરમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ થતી વીરરસ અને શૌર્યસભર કૃતિઓ તેમજ ગૌરવવંતા ઈતિહાસના કિસ્સાઓ થકી નવી પેઢીને પ્રેરણા મળી રહી છે. આવા જ એક પ્રેરણાસભર કાર્યક્રમમાં ગાંધીનગરના સ્વરસંવાદ ગૃપના વિદ્યાર્થીઓએ 'વાચિકમ્' ના માધ્યમથી દ્રઢ નિશ્ચય અને અડગ મનોબળના પર્યાય સમા લોખંડી પુરુષની જીવનગાથા રજૂ કરી 'સરદાર વંદના' કરી હતી. સ્વરસંવાદ ગૃપના વિદ્યાર્થીઓએ 'વાચિકમ્' અંતર્ગત સરદાર વલ્લભભાઈના માતા લાડ બા, ગાંધીજી, નેહરુ, માઉન્ટબેટન, મેનન, દિવાન, જામ સાહેબ, નિઝામ, નવાબ વગેરેના વૉઈસઓવરથી બારડોલી સત્યાગ્રહ, બ્રિટિશ સરકાર સામેનો સંઘર્ષ, રજવાડાઓનું એકીકરણ, જૂનાગઢનો વિલય, ઓપરેશન પોલો, વિભાજીત ભારતનું પુનઃગઠન વગેરે પ્રસંગો ગૂંથીને જ્યારે રાષ્ટ્ર પોતાની ધરોહરને ઓળખે છે, ત્યારે ઈતિહાસ નવી દિશા લે છે સહિતના સંવાદોથી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કવનને લોકો સમક્ષ તાદ્રશ્ય પ્રસ્તુત કર્યું હતું. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રજૂ થયેલી સ્વરસંવાદ ગૃપની આ પ્રસ્તુતિને લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ