
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)સમી પોલીસે પૈસાની ઉઘરાણી મુદ્દે છાપરા અને રિક્ષામાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યારે આ કેસનો મુખ્ય આરોપી હજુ ફરાર છે.
આ ઘટના સમીના મહેશ વાદી સાથે બની હતી. મહેશે તેના મિત્ર ઈમરાન ઉર્ફે ઓઝો સૈયદ પાસેથી દવા માટે 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા, જેમાંથી મોટો ભાગ ચૂકવી દીધા બાદ 15 હજાર રૂપિયા બાકી રહ્યા હતા. આ બાકી રકમને લઈને તેની કડક ઉઘરાણી કરવામાં આવી રહી હતી.
ગત મંગળવારે મહેશ પરિવાર સાથે બહાર ગયા ત્યારે ઘરમાં તેની બહેન પાયલ અને પત્ની હાજર હતા. તે દરમિયાન ઈમરાન ઉર્ફે ઓઝો સૈયદ અને ઈમરાન ઉર્ફે મોન્ટી સૈયદ બાઈક પર આવી છાપરા તથા રિક્ષામાં આગ લગાવી નાસી છૂટ્યા હતા. પાયલ વાદીની ફરિયાદના આધારે પોલીસે ઈમરાન ઉર્ફે મોન્ટી સુલેમાનની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપીની શોધ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ