
ગીર સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) : દેશની આસ્થાના કેન્દ્ર તથા દ્વાદશ જ્યોર્તિલિંગમાંના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના આંગણે તા. ૮ જાન્યુઆરી થી ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેની ગુરુવારે સંગીતમય સંધ્યાથી પૂર્ણાહૂતી થઈ હતી.
'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સંગીતમય સંધ્યાને માણનાર અને શિવાકાશીથી સોમનાથ પધારેલા શ્રદ્ધાળુ અંકુર બિયાણીએ આદ્યાત્મિક અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સોમનાથના આંગણે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી થઈ રહી છે, ત્યારે જ સોમનાથ બાબાએ અમને અહીં બોલાવ્યાં છે. જે અમારા માટે સૌભાગ્યની વાત છે.
'સ્વાભિમાન પર્વ' એ સમગ્ર દેશ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. આ અવસરે આદ્યાત્મિક ઉર્જાનો સંચાર થઈ રહ્યો હોય એવો અનુભવ થયો છે. અહીં આવીને હકારાત્મક ઉર્જા અનુભવી છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનથી અહીં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આમ, પોતાનો આધ્યાત્મસભર અનુભવ જણાવી અંકુરભાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ