સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિશિષ્ટ યોગ કેન્દ્ર દ્વારા સ્વાસ્થ્યની સુવર્ણ ત્રિપુટી વિષયક ત્રિદિવસીય કાર્યશાળાનું સમાપન
ગીર સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના વિશિષ્ટ યોગ કેન્દ્ર દ્વારા તા.૧૩ થી ૧૫ જાન્યુઆરી દરમિયાન The Golden Trio of Wellness- Yoga, Ayurveda & Acupressure (સ્વાસ્થ્યની સુવર્ણ ત્રિપુટી- યોગ, આયુર્વેદ અને એક્યુપ્રે
સંસ્કૃત યુનિવર્સિટી ખાતે


ગીર સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના વિશિષ્ટ યોગ કેન્દ્ર દ્વારા તા.૧૩ થી ૧૫ જાન્યુઆરી દરમિયાન The Golden Trio of Wellness- Yoga, Ayurveda & Acupressure (સ્વાસ્થ્યની સુવર્ણ ત્રિપુટી- યોગ, આયુર્વેદ અને એક્યુપ્રેશર) વિષયક ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. તેનો સમાપન કાર્યક્રમ તા.૧૫-૦૧-૨૦૨૬ને ગુરૂવારે બપોરે ૦૪:૩૦ કલાકે યુનિવર્સિટી પરિસર ખાતે પાતંજલ યોગભવનમાં યોજાયો.

આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં અધ્યક્ષરૂપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા, વિશેષ અતિથિ તરીકે એક્યુપ્રેશર શોધ, પ્રશિક્ષણ અને ઉપચાર સંસ્થાન, પ્રયાગરાજ (ASPEUS)ના એક્યુપ્રેશર-નિષ્ણાંત પ્રો.અનિલ કુમાર સિંહ, સલાહકાર આયુર્વેદિક તબીબ અને સામાન્ય તબીબ, સુરતના આયુર્વેદ-નિષ્ણાંત પ્રો.નયના એ. સિંહ, આયોજક તરીકે યુનિવર્સિટી સંચાલિત કોલેજના એસોસિએટ પ્રોફેસર અને વિશિષ્ટ યોગ કેન્દ્રના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડૉ.પંકજકુમાર રાવલ, શારીરિક શિક્ષણના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.જયેશકુમાર મુંગરા, વિશિષ્ટ યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.મનન કુમાર અગ્રવાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.મનિષાબેન રામ, યોગ-પ્રાધ્યાપિકા દ્રષ્ટિબેન બારૈયા સહિતના મહાનુભાવો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કાર્યશાળાના ૮૦ પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યાં. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચારથી સમાપન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ અત્રેના દ્રષ્ટિબેન બારૈયાએ મહાનુભાવોના પરિચય સાથે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું.

વિશેષ અતિથિ પ્રો.અનિલ કુમાર સિંહે જણાવ્યુ કે “યજુર્વેદોક્ત મર્મ-વિજ્ઞાન અને આધુનિક એક્યુપ્રેશર વૈદિક આરોગ્ય પરંપરાની વૈજ્ઞાનિક અભિવ્યક્તિ છે. વેદોમાં વર્ણિત મર્મ, પ્રાણ અને સ્પર્શ આધારિત ઉપચાર પદ્ધતિઓ માનવ શરીરના ઊર્જાકેન્દ્રો પર કાર્ય કરે છે, જે આજના સમયમાં એક્યુપ્રેશર તરીકે વ્યવસ્થિત રીતે સ્વીકારાઈ છે. આ સમન્વય ભારતીય જ્ઞાન પરંપરાની વૈજ્ઞાનિકતા, પ્રાયોગિકતા અને આધુનિક સમય પ્રત્યેની પ્રાસંગિકતાને સ્પષ્ટ કરે છે.” તેમજ સંસ્કૃત અને સંસ્કૃતિનો સમન્વય એટલે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આ કાર્યશાળા આયોજિત કરવામાં આવી છે, જે ખૂબ સરાહનીય છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં ભારતીય શાસ્ત્રોમાં વર્ણિત ૬૪ કળાઓ માનવ-વ્યક્તિત્વના વિવિધ આયામોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક વિદ્યાર્થીમાં આ કળાઓમાંથી કોઈ એક કે વધુ કળા ગુપ્તસ્વરૂપે રહેલી હોય છે. યોગ્ય માર્ગદર્શન, સંસ્કાર અને અભ્યાસ દ્વારા જ્યારે આ આંતરિક કળા પ્રગટ થાય છે, ત્યારે વિદ્યાર્થી કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરે છે અને સમાજ માટે ઉપયોગી બને છે. તેમજ માનવજીવનમાં મન મુખ્ય ભૂમિકા ભજવે છે. મન સંયમિત હોય તો વિચાર, વર્તન અને કર્મ સકારાત્મક બને છે, પરંતુ અશાંત મન માનવીને પરિસ્થિતિઓનો ગુલામ બનાવી દે છે. તેથી જીવનમાં સફળતા અને સુખ માટે મનનાં માલિક આપણે પોતે બનવું જરૂરી છે. યોગ, ધ્યાન અને આત્મસંયમ દ્વારા મન પર નિયંત્રણ મેળવી શકાય છે. કાર્યશાળા દ્વારા દરેકને જાણાવા મળ્યું કે હું કેટલો સ્વસ્થ છું, એમ જણાવ્યું હતું.

અંતે, મંચસ્થ મહાનુભાવોના હસ્તે તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. યોગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.મનિષાબેન રામે સૌનો આભાર વ્યક્ત કર્યો અને પૂર્ણતા મંત્રથી સમાપન સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું મંચસંચાલન વિશિષ્ટ યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.મનન કુમાર અગ્રવાલે કર્યું હતું. સમગ્ર કાર્યશાળાના સંયોજક તરીકે ડૉ.જયેશકુમાર મુંગરા, ડૉ.મનન કુમાર અગ્રવાલ, ડૉ.મનીષા રામ અને દ્રષ્ટિ બારૈયા તેમજ સહાયક તરીકે સંશોધન મદદનીશ વૈશાલી વાઘે કામગીરી કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande