
સુરત, 19 જાન્યુઆરી (હિ.સ.): ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત-સુરત દ્વારા 5 દિવસીય આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં છત્તીસગઢના ૩૭ પ્રતિભાશાળી યુવાનોએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને આતિથ્યસત્કારનો લ્હાવો મેળવ્યો હતો.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની વિભાવના હેઠળ સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી માય ભારતના ડેપ્યુટી ડાયરેક્ટર સચિન શર્માના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યક્રમના ઉદ્દઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નિધિ ઠાકુર (DCP ઝોન 4)એ પ્રતિભાગી યુવાનો સાથે આત્મીય સંવાદ સાધી તેમને સિવિલ સર્વિસીસમાં કારકિર્દી બનાવવા અને લક્ષ્યને અનુસરી દેશના વિકાસમાં સહભાગી થવા માટે પ્રેરણા આપી હતી. પ્રવાસ દરમિયાન યુવાનોએ સુરતના ઔદ્યોગિક અને શૈક્ષણિક ગૌરવ સમાન હજીરા પોર્ટ, હરેકૃષ્ણા ડાયમંડ્સ અને પ્રતિષ્ઠિત SVNIT- કોલેજની મુલાકાત લઈ તકનીકી અને વ્યાવસાયિક વિકાસની બારીકીઓ સમજી હતી, તેમજ ઓરો યુનિવર્સિટીની મુલાકાત લઈને વિવિધ આધુનિક અભ્યાસક્રમો વિશે માહિતી મેળવી હતી.
શૈક્ષણિક સત્રોમાં એક્ઝામશાલાના સ્થાપક હરેન્દ્ર સિંહ તોમરે યુવાનોને સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના મંત્રો આપ્યા હતા, જ્યારે ઇન્ક્યુબેશન મેનેજર મયુરભાઈ કલસરિયાએ સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ ઈન્ડિયા વિષય પર તથા ડો. વિજયભાઈ રાદડિયાએ સ્થાનિક સંસાધનો દ્વારા સફળ બિઝનેસ ઉભો કરવા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મનોરંજન અને પ્રવાસના ભાગરૂપે યુવાનોએ ડુમસ બીચ અને કેવડિયા સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વિવિધતામાં એકતાના દર્શન કરી ગર્વની અનુભૂતિ કરી હતી. છત્તીસગઢના યુવાનોએ પોતાના લોકગીતો અને લોકનૃત્ય રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને ગુજરાતી ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માય ભારતના સ્વયંસેવકો કમલ સોલંકી, મનોજ દેવીપૂજક, ઉજ્જવલ પરમાર, નિમેષ ગડ્ડમ, વૈષ્ણવી રાજપૂત, આયુષ અને ગૌરવ પઢાયાએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે