
અમદાવાદ, 19 જાન્યુઆરી (હિ.સ.) : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખીચા ગામ ખાતે બોસ ઈન્ડિયા ફાઉન્ડેશન અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કૌશલ્ય વર્ધન તાલીમ અને રિવ્યુ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાણંદ તાલુકાના 15 ગામો તેમજ બાવળા, વિરમગામ અને લીંબડી તાલુકાના 25 ગામોના પ્રમોટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાન્તિભાઈ મકવાણાએ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓને છેવાડાના અને અંતરિયાળ ગામો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના માધ્યમથી ગ્રામીણ વિકાસ સાધવો એ સંસ્થાનું મુખ્ય લક્ષ્ય છે.
તદુપરાંત, બોસ ઈન્ડિયા ફાઉન્ડેશનના સી.એસ.આર. પ્રોજેક્ટ મેનેજર શ્રી ચેતનભાઈએ કંપનીના સામાજિક જવાબદારીના ફંડનો યોગ્ય અને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ પ્રક્રિયામાં લોકભાગીદારી વધારવા અને ગ્રામજનોને સીધી રીતે જોડવા માટેના ઉપાયો પણ ચર્ચ્યા હતા.
ખેતી અને ખેડૂતોના ઉત્થાન અંગે વાત કરતા સી.ઈ.ઓ. પ્રદીપ દવેએ જણાવ્યું હતું કે, ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે તે સમયની માંગ છે. જો ખેડૂતો પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે જોડાશે તો તેમની પેદાશોનું યોગ્ય મૂલ્યવર્ધન કરી શકાશે, જેનાથી ખેડૂતો પોતાની પેદાશોના પોષણક્ષમ ભાવો જાતે નક્કી કરી શકશે અને તેમની આવક બમણી કરવામાં મોટી સફળતા મળશે. આ માટે તેમણે ખેડૂતોના સંગઠન બળને અનિવાર્ય ગણાવ્યું હતું.
પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કાશીરામભાઈ વાઘેલાએ ખેડૂતોને ખાતરી આપી હતી કે, તેમની કંપની ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા, ખેતરની રૂબરૂ મુલાકાત લઈને માર્ગદર્શન પૂરું પાડવા અને ખેત પેદાશોના વેચાણ માટે વ્યવસ્થા ગોઠવવામાં હંમેશા અગ્રેસર રહેશે.
તાલીમમાં ઉપસ્થિત વિવિધ ગામોના પ્રમોટરોએ પણ પોતાના અનુભવો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, હાલમાં દરેક ગામમાં સરેરાશ 20 થી 25 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આગામી સમયમાં પ્રચાર-પ્રસારના માધ્યમથી વધુમાં વધુ ખેડૂતો આ ઝુંબેશમાં જોડાય તેવા પ્રયાસો કરવાની ખાતરી પ્રમોટરોએ આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ