

ગાંધીનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા, વિરમપુર ખાતે સંપૂર્ણ સાદગી સાથે શાળાના પરિસરમાં રાત્રી નિવાસ કર્યો હતો. આ અવસરે રાજ્યપાલ ગ્રામ્ય જીવનની સહજતા, આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા તથા સ્થાનિક સમાજની જીવનપદ્ધતિને નજીકથી અનુભવી, શાળાના વાતાવરણને આત્મીયતા અને પ્રેરણાથી પરિપૂર્ણ બનાવ્યું હતું.
રાત્રી નિવાસ બાદ વહેલી સવારે રાજ્યપાલ એ શાળાની બાલિકાઓ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.
રાજ્યપાલ એ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ અવસરે રાજ્યપાલએ જણાવ્યું હતું કે,“યોગ માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નિયમિત યોગાભ્યાસથી એકાગ્રતા વધે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તેમજ જીવનમાં શિસ્ત અને સકારાત્મકતા વિકસે છે.”
રાજ્યપાલ એ બાલિકાઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવી તેને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકગણ, અધિકારીઓ તથા અન્ય સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રી સાથે યોગાભ્યાસ કરવાની અનોખી તક મળતાં શાળાની બાલિકાઓએ આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ