


- ખેડૂતો સાથે સંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સ્પષ્ટ સંદેશ: પ્રાકૃતિક ખેતી જ ટકાઉ ભવિષ્ય
- પ્રાકૃતિક ખેતી એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી: ખેડૂતો સાથે આત્મીય સંવાદમાં રાજ્યપાલનો માર્ગદર્શનસભર સંદેશ
ગાંધીનગર,19 જાન્યુઆરી (હિ.સ.) બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કન્યા સાક્ષરતા નિવાસી શાળાની સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વહેલી સવારે રાજ્યપાલશ્રીએ વિરમપુરના ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.
રાજ્યપાલએ શાળા પરિસરમાં આવેલી કેન્ટીનમાં વિધાર્થીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો હતો..આ પ્રસંગે રાજ્યપાલ એ વિદ્યાર્થીઓને ભણી ગણીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી..
રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ ઉજાગર કર્યું હતું.
આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે વિદ્યામંદિર તથા તાલીમ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંવેદના ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓએ ઉમળકાભેર સ્વાગત કરી સમગ્ર વાતાવરણને આનંદમય અને ઉત્સાહભર્યું બનાવી દીધું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલએ આદિવાસી બહેનો દ્વારા જંગલની જડીબુટ્ટીઓથી તૈયાર કરાયેલા સાબુના સ્ટોલ તેમજ પ્રાકૃતિક ખેતીના સ્ટોલની મુલાકાત લઈ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલના વરદ હસ્તે “નિષ્કામ કર્મયોગી શંકર પટેલ” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના નિષ્કામ સેવાભાવ અને સમાજપ્રત્યેના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું છે.
સંવેદના ટ્રસ્ટના પદાધિકારીઓએ આ વિસ્તારના જીવન પરિવર્તનમાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું હોવાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું. તેમણે હસમુખ પટેલ, શંકર પટેલ તથા તેમની સમગ્ર ટીમે આદિવાસી ભાઈ-બહેનોના જીવનને સમર્પિત થઈ કરેલી સેવાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમના પ્રયત્નોથી સમગ્ર વિસ્તારની કાયાપલટ થઈ છે. શિક્ષણથી જ સમાજની પ્રગતિ શક્ય બને છે તેમ જણાવી, શિક્ષણધામની વ્યવસ્થા માટે યોગદાન આપનાર ભગુભાઈ પટેલ તથા મીનાક્ષીબહેનને અભિનંદન પાઠવ્યા હતા. “હું નહિ, પરંતુ સૌ સુખી રહે” એવી વૈદિક વિચારધારામાંથી જન્મતી માનવતાને ઈશ્વર પ્રાપ્ત કરવાનો સાચી માર્ગ તરીકે દર્શાવી, આ દિશામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા બદલ રાજ્યપાલએ સમસ્ત સંવેદના ટ્રસ્ટને સાધુવાદ પાઠવ્યો હતો.
ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કરતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. જીવામૃત છાંયડા અથવા વૃક્ષની નીચે બનાવવામાં આવે તો તેમાં રહેલા બેક્ટેરિયા લાંબા સમય સુધી સક્રિય રહે છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, જંગલમાં કોઈ યુરિયા ખાતર નાખતું નથી છતાં ત્યાં વૃક્ષો લીલાછમ રહે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં એક એકર જમીનમાં ઓછામાં ઓછું બે ટન ઘન જીવામૃત આપવું અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું, જેના પરિણામે ઉત્પાદન ઘટતું નથી પરંતુ વધે છે અને બંજર જમીન પણ ફળદ્રુપ બને છે.
રાજ્યપાલએ ખેડૂતોને થોડી-થોડી શરૂઆત કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવાની, મલ્ચિંગ તથા મલ્ટીક્રોપ પદ્ધતિથી એક સાથે એકથી વધુ પાક લેવાની સલાહ આપી હતી. તેમજ અગ્નિઅસ્ત્ર, નીમાસ્ત્ર અને ખાટી છાશના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે અને જમીન લાંબા સમય સુધી જીવંત રહે છે તેમ તેમણે જણાવ્યું હતું.
આગામી પેઢીની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાનું જણાવતાં રાજ્યપાલએ તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેતીના ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સતત ત્રણ વર્ષ સુધી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને સરકાર તરફથી વિશેષ સહાય આપવામાં આવશે તેમ જણાવી તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે.”
કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંવેદના ટ્રસ્ટના પદાધિકારીઓ હસમુખ પટેલ, જીતુ પટેલ, જ્યોતિ ટ્રસ્ટના તંત્રી ડૉ. મિહિર જોશી, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર ડૉ. હર્ષદ પટેલ ઉપરાંત રાજ્ય તથા વિસ્તારના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ