
જામનગર, 02 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકાના ખેડૂતોને ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં લાંબા સમયથી મળ્યા નથી. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ તંત્ર અને બેંકિંગ સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
ધારાસભ્ય ખવાએ બંને તાલુકામાં તાકીદની બેઠકો યોજી હતી. લાલપુર મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે તમામ બેંક મેનેજરો અને મગફળી ખરીદી કેન્દ્રના સંચાલકોને સામસામે બેસાડીને આકરા સવાલો કર્યા હતા.
ખેડૂતોએ મગફળી આપી દીધી હોવા છતાં, ટેકનિકલ ખામીઓ અને આધાર સીડિંગના બહાના હેઠળ બેંકો દ્વારા ખેડૂતોને ધરમધક્કા ખવડાવવામાં આવતા હોવાથી હેમત ખવાએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે કડક નિર્દેશ આપતા એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે. બાકી રહેલા ખેડૂતોના ખાતામાં આગામી એક સપ્તાહમાં નાણાં જમા થઈ જવા જોઈએ તેવી તાકીદ કરી છે.
વધુમાં, લાલપુર તાલુકાના તમામ પેન્ડિંગ અને લોટ આઈડીનું વેરિફિકેશન યુદ્ધના ધોરણે પૂર્ણ કરીને પેમેન્ટ રિલીઝ કરવા જણાવ્યું હતું. જે ખેડૂતોના પેમેન્ટ ટેકનિકલ કારણોસર અટક્યા છે, તેમને બેંકોએ ગોળગોળ જવાબ આપવાને બદલે રૂબરૂ બોલાવીને ચોક્કસ કારણ જણાવી પ્રક્રિયા પૂર્ણ કરાવવા સૂચના આપી હતી.
કૃષિ વિભાગ અને બેંકિંગ સત્તાધીશોને પરસ્પર સંકલન સાધી આધાર મેપિંગના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા પણ જણાવાયું છે. ખેડૂતોએ મગફળીના નાણાંમાંથી રવી પાકનું વાવેતર અને ખેતી ખર્ચ કરવાની આશા રાખી હતી, પરંતુ ખરીદી કેન્દ્રોની બેદરકારી અને બેંકોની ઢીલી નીતિને કારણે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
ધારાસભ્ય હેમત ખવાએ ચેતવણી આપી છે કે જો તંત્ર આ બાબતે ગંભીરતા નહીં દાખવે તો ખેડૂતોના હક માટે ઉગ્ર આંદોલન કરતા પણ અચકાશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt