
પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લામાં ઓવરલોડ રેતીના વાહનોને કારણે ગ્રામીણ રસ્તાઓને થઈ રહેલા નુકસાન મામલે મુખ્યમંત્રી કાર્યાલયે ગંભીર નોંધ લીધી છે. આ મુદ્દે મુખ્ય સચિવ સહિત માર્ગ અને મકાન, મહેસૂલ અને વાહનવ્યવહાર વિભાગને નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રેતી ભરેલા વાહનો મર્યાદા કરતાં વધુ વજન લઈને બેફામ ગતિએ દોડતા હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા અવાજના હોર્નથી ગ્રામજનો અને રાહદારીઓમાં ભય ફેલાયો છે.
બાલીસણા ગામના જાગૃત નાગરિક પ્રજ્ઞેશ પટેલે લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે ઓવરલોડ વાહનોના સતત પસાર થવાને કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ગ્રામીણ રસ્તાઓ ટૂંકા સમયમાં જ તૂટી રહ્યા છે.
આ ગંભીર મુદ્દે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે મુખ્યમંત્રીને પત્ર લખી ઓવરલોડ વાહનો પર અંકુશ અને નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મુખ્યમંત્રી કાર્યાલયે રજૂઆતને ગંભીરતાથી લઈને સચિવાલયના સંબંધિત વિભાગોને સક્રિય કર્યા છે. ઓવરલોડિંગ રોકવા, રસ્તાઓની જાળવણી અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના નિર્દેશ બાદ આગામી દિવસોમાં પાટણ જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ