
જામનગર, 02 જાન્યુઆરી (હિ.સ.) :
જામનગર સહિત સૌરાષ્ટ્રમાં લૂંટ-ઘરફોડ ચોરીને અંજામ આપતી આંતરરાજય ગેંગના ત્રણ શખ્સોને જામનગર એલસીબી પોલીસે મોરકંડા પાટિયા પાસેથી ઝડપી લઇ સોના-ચાંદીના દાગીના, રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 3,85,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગત મુજબ ગત તા. 12-10-2025ના રોજ જામનગરના રણજિત સાગર રોડ પર જે જે જશોદા સોસાયટીમાં ફરીયાદી પ્રફુલભાઇ લખમણભાઇ ભાડજાના રહેણાંક મકાનમા બે અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી તેના માતા જબુબેન ભાડજાને શરીરે ઇજા કરી સોનાના દાગીના કિ. રૂ 50,000ની લૂંટ આચરી હતી. તેમજ ગત તા. 11-10-2025ના રોજ આ જ વિસ્તારમાં મનોજભાઇ છગનભાઇ લિંબાસિયા પોતાના રહેણાક મકાને ઉપરના માળે સૂતા હોય,તે મકાનના નીચે દરવાજાના નકૂચા તોડી બે અજાણ્યા ઇસમોએ રહેણાક મકાનમા પ્રવેશ કરી રોકડ સહિતના માલસામાન તથા નિકુંજભાઇ મહેશભાઇ મોલિયાના મકાનની બાજુમાથી મો.સા નં. જીજે-03-એલ.એ-0514 કિ.રૂ.30,000 મળી કુલ રૂપિયા 90,000ની ચોરી આચર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ હતી.
આ દરમ્યાન આ કેસમાં સંડોવાયેલા શખ્સો લાલપુર ચોકડેએથી ઠેબા ચોકડી તરફ મોરકંડા પાટિયા પાસે લૂંટ-ચોરીના દાગીનાનો મુદ્દામાલ સગેવગે કરવાની પેરવી કરતાં હોવાની એલ.સી.બી.ના દિલીપભાઇ તલાવડીયા, કાસમભાઇ બ્લોચ,હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા,યુવરાજસિંહ ઝાલાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના, એલસીબીના પીઆઇ વી. એમ. લગારિયાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન બિલામ ઉર્ફે રામસિંગ ઉર્ફે જુવાનસિંગ દરિયાસિંગ ગણાવા, લિલેશ ઉર્ફે નિલેશ કેલસિંગ આમલિયાર (અલાવા), માનુ ઉર્ફે નાનકો કુંગરસિંગ નજરૂ મેડા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રૂા. 2,33,900ની કિંમતના 24 ગ્રામ 200 મિલિગ્રામ સોનાના દાગીના, રૂા. 99,200ની કિંમતના 743 ગ્રામ 800 મિલીગ્રામ ચાંદીના દાગીના, રૂા. 20 હજારની રોકડ, રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા. 22 હજારની કિંમતના 4 કિલો 400 ગ્રામના છત્તર, નાગ, ઝુમર વિગેરે પંચધાતુના છત્તર, શેષનાગ, રૂા. 200ની કિંમતના ડિસમિસ, લોખંડનું પાનુ, કટ્ટર સહિત કુલ રૂપિયા 3,85,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સ પૈકી બિલામ વિરૂઘ્ધ જામનગર પંચકોષી ‘એ’ ડિવિઝન, લિલેશ વિરૂઘ્ધ માળિયા-મિયાણામાં ગુનો નોંધાયેલો હોય તેમાં નાસતા ફરતા હતાં. આ ઉપરાંત બિલામ વિરૂદ્ધ ઘરફોડ ચોરીના ચાર જેટલા તથા લિલેશ વિરૂઘ્ધ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા હતાં.
આરોપીઓની પૂછપરછ દરમ્યાન શખ્સો ઘરફોડ ચોરી કરવા માટે દિવસે જે તે સોસાયટીમાં બંધ મકાન હોવાની ખાતરી કરી તે જ રાત્રિના મકાનને ટાર્ગેટ કરી, કટ્ટર મશીન,લોખંડના સળીયા, પક્કડ, ગણેશિયાથી મકાનના દરવાજાના નકુચા તથા તાળા તોડી લૂંટ ધરફોડ ચોરીને અંજામ આપતા હતાં. આ ઉપરાંત આ ગેંગનો સાલમ પરમસિંગ ઉર્ફે પારૂ ગણાત્રા નામનો શખ્સ ફરાર હોય, તેની શોધખોળ ચાલી રહી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt