
પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : રાધનપુર અને સાંતલપુર તાલુકાના ખેડૂતો ચણાના પાકમાં લીલી ઈયળના ભારે ઉપદ્રવનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં ભારે વરસાદ અને ત્યારબાદ કમોસમી માવઠાથી નુકસાન વેઠ્યા બાદ, ખેડૂતોે રવિ પાકમાં સારા ઉત્પાદનની આશાએ ચણાનું વાવેતર કર્યું હતું.
રાધનપુર તાલુકાના કમાલપુર ગામ સહિત વઢિયાર પંથકમાં અંદાજે 4,980 હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. મોંઘા બિયારણ, ખેડ અને મજૂરીના ખર્ચ બાદ હવે પાકમાં ઈયળો દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. લીલી ઈયળના ઉપદ્રવને અટકાવવા માટે ખેડૂતો મોંઘી દવાઓ ખરીદી છંટકાવ કરી રહ્યા છે. 25 લિટરના પંપ ખભા પર લઈ ખેડૂતો પાકને બચાવવા સતત મહેનત કરી રહ્યા છે. હવામાનમાં થયેલા ફેરફાર અને વાદળછાયા વાતાવરણને કારણે લીલી ઈયળોનો ઉપદ્રવ વધ્યો હોવાનું માનવામાં આવે છે. પાક તૈયાર થવાના આરે છે ત્યારે આ સમસ્યાએ ખેડૂતોની ચિંતા વધારી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ