
અમરેલી, 02 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે ગ્રામજનો માટે મહત્વપૂર્ણ એવા પુરસરક્ષણ દીવાલના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા અને શુભ હસ્તે શિલાન્યાસ કરી વિકાસ કાર્યની ઔપચારિક શરૂઆત કરાવી હતી.
મંત્રી વેકારીયાએ જણાવ્યું હતું કે દેવગામ વિસ્તારને વરસાદી મોસમ દરમિયાન વારંવાર પુર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, જેના કારણે ખેતી, રહેણાંક અને જનજીવનને નુકસાન થતું હતું. આ સમસ્યાને કાયમી ઉકેલ આપવા માટે પુરસરક્ષણ દીવાલનું નિર્માણ અત્યંત જરૂરી હતું. આ દીવાલ બનવાથી ગામની સુરક્ષા મજબૂત બનશે અને ખેડૂતોને મોટી રાહત મળશે.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનોએ વિકાસ કાર્ય માટે સરકાર અને મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રી વેકારીયાએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામિણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં રસ્તા, પાણી, સિંચાઈ તથા અન્ય માળખાકીય સુવિધાઓ માટે પણ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. કાર્યક્રમ અંતે લોકહિતના વિકાસ કાર્યો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai