
સુરત, 02 જાન્યુઆરી (હિ.સ.): સુરત શહેરમાં વિદ્યાર્થીવર્ગમાં માનસિક દબાણની ઘટનાઓ સતત સામે આવી રહી છે, તે વચ્ચે ડીંડોલી વિસ્તારમાં એક કરુણ બનાવ નોંધાયો છે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ જીવનનો અંત લાવ્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ સમયે પરિવારના અન્ય સભ્યો ઘરમાં ઊંઘમાં હતા, ત્યારે આ ઘટના બની હતી.
પરિવારજનો માટે આ ઘટના અત્યંત આઘાતજનક સાબિત થઈ છે. વિદ્યાર્થિનીના પિતાએ ભારે મનથી જણાવ્યું હતું કે, તેમની દીકરીનું સપનું ડોક્ટર બનવાનું હતું અને બાળકોને કોઈપણ સમસ્યા હોય તો તે માતા-પિતાને ખુલ્લેઆમ જણાવવી જોઈએ.
આ દુઃખદ ઘટનાના કારણો હજુ સ્પષ્ટ થયા નથી. જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે જાણવા માટે પોલીસ વિવિધ પાસાઓથી તપાસ કરી રહી
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે