
અમરેલી, 02 જાન્યુઆરી (હિ.સ.) કેરીયારોડ ખાતે આવેલ મહિલા સંચાલિત સ્વામિનારાયણ મંદિર માં આયોજિત દિવ્ય શાકોત્સવ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પ્રસંગે મંત્રીએ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન કરી આત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
દિવ્ય શાકોત્સવ અંતર્ગત વિવિધ પ્રકારની સાત્વિક શાકભાજી અને પ્રસાદની ભાવપૂર્ણ અર્પણા ભગવાન સ્વામિનારાયણને કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ઊર્જાથી ગુંજતું જોવા મળ્યું. મહિલા સંચાલિત આ મંદિર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેવા, શિસ્ત અને સમર્પણનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યો હતો.
મંત્રી કોશિક વેકારીયાએ જણાવ્યું હતું કે આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, એકતા અને સકારાત્મક વિચારધારાનો પ્રસાર કરે છે. મહિલાઓ દ્વારા સંચાલિત મંદિર અને તેમની સેવાભાવના સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે આયોજકોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભાવ જોવા મળ્યો હતો. સમગ્ર માહોલ મનને શાંતિ અને પ્રેરણા આપે એવો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai