કેશોદમાં જલારામ મંદિરે મેગા નેત્ર નિદાન કેમ્પમાં દર્દીઓના નિ:શુલ્ક ઓપરેશન
જૂનાગઢ, 7 જાન્યુઆરી (હિ.સ.) : કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે માનવસેવાનો મહાયજ્ઞ યોજાયો હતો. જલારામ મંદિર ટ્રસ્ટ અને રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૩૫૩ મા મેગા નેત્ર નિદાન કેમ્પમાં સેંકડો દર્દીઓએ ઉમળકાભેર લા
કેશોદમાં જલારામ મંદિરે મેગા નેત્ર નિદાન કેમ્પમાં દર્દીઓના નિ:શુલ્ક ઓપરેશન


જૂનાગઢ, 7 જાન્યુઆરી (હિ.સ.) : કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે માનવસેવાનો મહાયજ્ઞ યોજાયો હતો. જલારામ મંદિર ટ્રસ્ટ અને રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૩૫૩ મા મેગા નેત્ર નિદાન કેમ્પમાં સેંકડો દર્દીઓએ ઉમળકાભેર લાભ લીધો હતો. આ કેમ્પમાં માત્ર આંખની તપાસ જ નહીં પરંતુ ડાયાબિટીસ અને હોમિયોપેથીક સારવાર પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. કેશોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા ૨૫૫ દર્દીઓની આંખોની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાંથી મોતિયાના ઓપરેશનની જરૂર હોય તેવા ૧૦૩ દર્દીઓને રાજકોટની રણછોડદાસજી હોસ્પિટલ ખાતે ખાસ બસ દ્વારા મોકલવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓના ઓપરેશન, રહેવા અને જમવાની વ્યવસ્થા સંપૂર્ણપણે નિશુલ્ક રાખવામાં આવી છે. ૩૫૩ કેમ્પ દ્વારા હજારો પરિવારોમાં ખુશીની લહેર જલારામ મંદિરની આ સેવાકીય યાત્રા અવિરત અને અદભૂત છે.

ટ્રસ્ટી દિનેશ કાનાબારના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં યોજાયેલા ૩૫૩ કેમ્પના માધ્યમથી કુલ ૨૫,૨૫૯ દર્દીઓના મોતિયાના સફળ ઓપરેશન કરાયા છે. કોઈ પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ચાલતો આ સેવાનો આંકડો સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યો છે. જલારામ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નહીં પણ ગરીબો માટે આરોગ્યનું ધામ બની ગયું છે.

કેમ્પનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા અને અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડૉ. પરિતોષ પટેલ અને ડૉ. નિકિતા પટેલે પોતાની સેવાઓ આપી હતી. હોમિયોપેથી કેમ્પમાં પણ ૨૦૦ દર્દીઓની તપાસ કરી ૮૦ ને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. સમગ્ર આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્વયંસેવકોએ ખડેપગે રહીને દર્દીઓ માટે ભોજન અને વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande