

સુરત, 07 જાન્યુઆરી (હિ.સ.)-સુરતને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ SOG ને મોટી સફળતા મળી છે. પુણા વિસ્તારમાં રહેણાંક વિસ્તારની આડમાં ચાલતી MD/ક્રિસ્ટલ મેથ ડ્રગ્સ બનાવતી હાઈટેક લેબોરેટરી પર ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં લેબ ચલાવતા ત્રણ યુવકોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસ અનુસાર, આ લેબમાં ત્રણ શિક્ષિત યુવકો કેમિકલ પ્રક્રિયા દ્વારા ક્રિસ્ટલ ફોર્મમાં MD ડ્રગ્સ તૈયાર કરતા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, તેઓ પોતે જ ડ્રગ્સનું ઉત્પાદન કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં તેનું વિતરણ કરતા હતા. દરોડા દરમિયાન ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ, આધુનિક સાધનો, તૈયાર ડ્રગ્સનો જથ્થો અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી આગળ ધપાવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓએ ડ્રગ્સ બનાવવાની રીત ઓનલાઈન માધ્યમો અથવા અન્ય સ્ત્રોતોથી શીખી હોવાની આશંકા છે. યુવાધનને નશાની લતમાં ફસાવતું એક મોટું નેટવર્ક ઉભું કરવાની તૈયારી ચાલી રહી હતી. હાલ પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદથી નમૂનાઓની તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ્સ ક્યાંથી લાવવામાં આવતા હતા અને અત્યાર સુધી કેટલા લોકોને આ ઝેર પહોંચાડાયું છે, તે તમામ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે