
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.). પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે, સરકાર અને પદભ્રષ્ટ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) વચ્ચેની વાતચીતને મંજૂરી આપી છે. વડા પ્રધાને, સ્પીકર સરદાર અયાજ સાદિકને વાટાઘાટોનું નેતૃત્વ કરવા માટે અધિકૃત કર્યા છે, જેમાં એક સરકારી પ્રતિનિધિમંડળ પણ ભાગ લઈ રહ્યું છે.
આ માહિતી દુનિયા ન્યૂઝમાં પ્રકાશિત થઈ હતી. અહેવાલ મુજબ, વાટાઘાટો ફક્ત ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જ થશે. સ્પીકરના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, પીટીઆઈના કોઈપણ નેતાએ હજુ સુધી વાટાઘાટો માટે સ્પીકરનો ઔપચારિક સંપર્ક કર્યો નથી. જો વિપક્ષ સંપર્ક કરશે, તો સ્પીકર અયાજ સાદિક તાત્કાલ બેઠક બોલાવશે. આ બેઠક સ્પીકરના ચેમ્બરમાં થશે. નોંધનીય છે કે, પીટીઆઈની સ્પીકર સાથે છેલ્લી મુલાકાત મહમૂદ અચકજઈને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાની હતી.
દરમિયાન, વડા પ્રધાનના રાજકીય બાબતોના સલાહકાર અને સેનેટર રાણા સનાઉલ્લાહ ખાને જણાવ્યું છે કે, સરકાર વિપક્ષ સાથે રાજકીય સંવાદમાં જોડાવા અને લોકશાહીને આગળ વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સનાઉલ્લાહે ઉમેર્યું કે, હવે પીટીઆઈએ નક્કી કરવાનું છે કે તે વાતચીતમાં જોડાવા માંગે છે કે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ