પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે 'સશસ્ત્ર દળ સન્માન સમારોહ' યોજાયો
ગીર સોમનાથ 01 ઓક્ટોબર (હિ.સ.) ''સેવા સંકલ્પ અભિયાન'' અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે સશસ્ત્ર દળના જવાનો અને નિવૃત્ત સૈનિકોના સન્માન માટે વિશેષ ''સશસ્ત્ર દળ સન્માન સમારોહ''નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાગરદર્શન
પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે 'સશસ્ત્ર દળ સન્માન સમારોહ


ગીર સોમનાથ 01 ઓક્ટોબર (હિ.સ.) 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે સશસ્ત્ર દળના જવાનો અને નિવૃત્ત સૈનિકોના સન્માન માટે વિશેષ 'સશસ્ત્ર દળ સન્માન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાગરદર્શન હૉલ ખાતે સૈનિકોના સન્માન માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ સૈનિકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશની શાંતિ, સલામતિ, પ્રગતિ અને વિકાસના પાયામાં આ દેશના સૈનિકોની શહાદત અને શૌર્ય રહેલું છે.

સૈનિકોના દેશ માટેના આ યોગદાનના કારણે આજે દેશ સન્માન સાથે ટટ્ટાર ઊભો છે અને વિશ્વની મહાશક્તિ બનવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, દેશની સુરક્ષા માટે ચટ્ટાન બની ઊભા રહેતા સૈનિકોના કારણે જ આ દેશમાં શાંતિ અને હળવાશ અનુભવી શકાય છે. સૈનિકોનું આ યોગદાન કોઈ શબ્દોથી મૂલવી શકાય તેમ નથી.

શહીદ સૈનિકો પ્રત્યેની કૃતજ્ઞભાવના પ્રગટ કરતા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, જિલ્લાના માજી સૈનિકોના સંગઠનને જિલ્લામાં પોતાની કોઈ ઓફિસ બનાવવી હોય તો જિલ્લા વહીવટી તંત્ર પૂરતો સાથ અને સહકાર આપશે.

સૈનિક નિવૃત્તિ બાદ પણ સૈનિક જ રહેતો હોય છે. તેવા સૈનિકોનું આ સંગઠન જિલ્લામાં હોસ્પિટલ જેવી સમાજસેવી પ્રવૃત્તિઓ કરવા માંગતું હોય તો આવી રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પણ તંત્ર સહકાર આપશે.

કલેક્ટરએ સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી જિલ્લાના સૈનિકોના કોઈ વારસાઈને લગતા પ્રશ્નો સહિતની મુશ્કેલીઓમાં વહીવટી તંત્ર પૂરતી સંવેદનાથી કામ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના માજી સૈનિકો માટે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, આધારકાર્ડ સહિતની કોઈપણ સરકારી સેવાઓ માટે કેમ્પ આયોજિત કરવા માંગતા હશે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એ પણ આયોજિત કરી આપવામાં આવશે એવી ખાતરી આપી હતી.

માજી સૈનિકસેવા ફાઉન્ડેશનના પ્રમુખ કેપ્ટન અશોકભાઈ રાઠોડે દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત વીર સૈનિકો અને તેમના પરિવારના સન્માન કાર્યક્રમમાં સશસ્ત્ર દળોના યોગદાનને બીરદાવી આ કાર્યક્રમ સૈનિકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો કાર્યક્રમ છે એમ જણાવ્યું હતું.

તેમણે ભારતીય લશ્કરના ઓપરેશન સિંદૂર, કારગિલ અભિયાન, ઓપરેશન સ્નો લેપર્ડ સહિતના અભિયાનોમાં ભારતીય લશ્કરના જવાનોએ દાખવેલા અદમ્ય સાહસ અને શૌર્યની વીરગાથાઓ રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે 'ઓપરેશન સિંદૂર'ના, કારગિલ યુદ્ધના વીરો, ૧૯૭૧ યુદ્ધના સૈનિકો અને મા ભોમની રક્ષા કાજે શહીદ સૈનિકોના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

અમરજ્યોતિની પ્રતિકૃતિ સમક્ષ ભારતમાતાની સેવા કરતા પ્રાણ ન્યોચ્છાવર કરી શહીદ થયેલા સૈનિકોને કલેક્ટર સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

આ કાર્યક્રમમાં ચિરાગ સોલંકી વૃંદ દ્વારા નાદબ્રહ્મની પ્રસ્તુતિ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક સંગીત પીરસવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી નરેશ ગોહિલ, કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, પ્રાંત અધિકારી જે.વી.કાકડિયા, પુરવઠા અધિકારી ડૉ. એચ.વી.ચાવડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા નાયબ સૂબેદાર ઉદય હડિયા, પેરામિલિટરી ફોર્સના જીણાભાઈ બામણિયા, ઉના, ગીરગઢડા, તાલાળા, વેરાવળ જિલ્લા સૈનિક સંગઠનના સભ્યો તેમજ શહીદ સૈનિકોના પરિવારજનો અને જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande