જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઓછા પાણીએ શિયાળુ પાકનું ઉત્પાદન અંગે એક દિવસીય તાલીમ યોજાઈ
જૂનાગઢ 01 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત સહિત સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે પાણીની ઉપલબ્ધતા અને તેનો કાર્યક્ષમ ઉપયોગ એ કૃષિ ઉત્પાદન તથા ખેડૂતોની આવક માટે મહત્વનું પરિબળ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા અર્ધ-શુષ્ક વિસ્તારમાં અનિયમિત વરસાદ, ઘટતા ભૂગર્
ઓછા પાણીએ શિયાળુ પાકનું ઉત્પાદન અંગે એક દિવસીય તાલીમ યોજાઈ


જૂનાગઢ 01 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત સહિત સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે પાણીની ઉપલબ્ધતા અને તેનો કાર્યક્ષમ ઉપયોગ એ કૃષિ ઉત્પાદન તથા ખેડૂતોની આવક માટે મહત્વનું પરિબળ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા અર્ધ-શુષ્ક વિસ્તારમાં અનિયમિત વરસાદ, ઘટતા ભૂગર્ભ જળ સ્તર અને મર્યાદિત સિંચાઈના સ્ત્રોતોને કારણે પિયત પાણીની અછત એક મહત્વપૂર્ણ પડકાર બની રહી છે.

તદુપરાંત ચાલુ વર્ષે સમગ્ર દેશમાં અલ-નીનોની મજબૂત અસરને કારણે ચોમાસાની અનિશ્ચિતતા અને સામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવના એ કૃષિ ક્ષેત્રમાં પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતા ઊભી કરી છે. વરસાદમાં ઘટાડો અથવા તેની અસમાન વહેંચણીને કારણે સિંચાઈ માટેના ભૂગર્ભ જળ અને અન્ય જળ સ્રોતો પર વધતું દબાણ કૃષિ ઉત્પાદન માટે પડકારરૂપ બની શકે છે. આવી પરિસ્થિતિમાં ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવું સમયની તાતી જરૂરિયાત છે.

આ બાબતોને ધ્યાને લઇ સંશોધન વૈજ્ઞાનિક ખેતી ઈજનેરીની કચેરી (RTTC), જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ, હેઠળ ચાલતી યોજના “સેન્ટર ઓફ એકસલેન્સ ઓન સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ” અંતર્ગત “પિયત પાણીની અછતની પરિસ્થિતિમાં ઓછા પાણીએ શિયાળુ પાકનું ઉત્પાદન” વિષય પર ગત એક દિવસીય ખેડૂત તાલીમ આયોજન કિસાન વિકાસ ભવન, સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જુનાગઢ જિલ્લાના જુદા જુદા ૧૨ ગામોમાંથી કુલ ૭૫ ખેડૂતોએ ભાગ લીધો હતો.

આ તાલીમના ઉદ્ઘઘાટન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને શ્રી ડૉ. વી.પી.ચોવટીયા, કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ ડૉ.જી.વી.પ્રજાપતિ, સંશોધન વૈજ્ઞાનિક ખેતી ઈજનેરી દ્વારા તાલીમનો હેતુ અને પૂર્વ ભૂમિકા આપવામાં આવી હતી. ડૉ.વી.પી.ચોવટીયા, કુલપતિએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અલ-નીનોની અસર હોવાથી આગામી શિયાળુ પાકોની સીઝનમાં દર વર્ષે ૧૦ થી ૧૨ પાણ આપીને પકવતા પાકોને ફક્ત કટોકટીની અવસ્થાએ ૫ થી ૬ પાણમાં પકવવાનું આયોજન ખુબ જ વિચારીને કરવું પડશે.

આ ઉપરાંત પુરતુ પાણી ઉપલબ્ધ હોઈ ત્યારે પણ જો જરૂર કરતા વધુ પિયત આપવામાં આવે તો ભૂગર્ભ જળના ક્ષારો જમીનમાં ભળવાથી જમીનનું સ્વાસ્થ્ય બગડે છે. આથી સૌરાષ્ટ્રના ખેડૂતોએ ટપક અને ફુવારા જેવી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ તરફ વળવું જરૂરી છે.

aઅ ઉપરાંત ડૉ.એ.જી.પાનસુરીયા, સંશોધન નિયામકશ્રીએ કૃષિમાં પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે AI, રિમોટ સેન્સિંગ, અને સ્માર્ટ ઈરીગેશન તરફ વળવા અને ઘઉં, ચણા જેવા અન્ય પાકોની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ નવી જાતો અપનાવવા સલાહ આપી હતી. ડૉ.કે.સી.પટેલ, આચાર્ય અને ડીનશ્રી, કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી મહાવિદ્યાલય દ્વારા કૃષિ ઈજનેરીના વિવિધ આયામો જેમકે સિંચાઈ, જમીન અને જળ સંરક્ષણ, આધુનિક યંત્રો અને ઓજારોનો ઉપયોગ, બાયોચાર અને સોલાર ઉર્જાના ઉપયોગથી ઓછા પાણી અને ઓછા ઇનપુટથી વધુ સારો પાક અને આવક કઈ રીતે મેળવી શકાય તેના વિષે માર્ગદર્શન આપ્યું હતું.

ડૉ.એચ.સી.છોડવડિયા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ સંશોધનથી વિકસિત ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવામાં તાલીમ, પ્રત્યક્ષ નિદર્શન અને વિસ્તરણ પ્રવૃત્તિઓની ભૂમિકા અંગે માહિતી આપી હતી.

આ તાલીમમાં ખેડૂત મિત્રોને ઓછા પાણીએ વધુ ઉપજ આપતી શિયાળુ પાકોની જાતોની પસંદગી, સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ દ્વારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, પાકની કટોકટીની અવસ્થાએ પિયત દ્વારા ઓછા પાણીએ વધુ ઉત્પાદન, જમીનમાં ભેજ સંરક્ષણ માટેની જુદી જુદી પદ્ધતિઓ, પ્રાકૃતિક કૃષિ દ્વારા ઓછા પાણીએ શિયાળુ પાકનું ટકાઉ ઉત્પાદન જેવા માહિતી સભર વ્યાખ્યાનો જે તે વિષયના નિષ્ણાતશ્રીઓ ડૉ.એચ.વાય.મહેતા, ડૉ.પી.એ.પંડયા, ડૉ.ડી.વી.સાવલિયા, ડૉ. પારસ હીરપરા, શ્રી પ્રો.જે.જી.હીરપરા દ્વારા આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી મહાવિદ્યાલય ખાતે ઈરીગેશન પાર્ક તથા અન્ય વિભાગોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલની ઓછા વરસાદવાળી પરિસ્થિતિમાં આવી તાલીમ યોજવા બદલ ખેડૂતોએ ખુબ જ સારો પ્રતિભાવ આપવામાં આવી હતી. આ તાલીમને સફળ બનાવવા માટે સંશોધન ચકાસણી અને તાલીમ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તેમ ડૉ.એન.બી.જાદવ, નિયામક વિસ્તરણ શિક્ષણ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande