
જામનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન અટકાવવાના ભાગરૂપે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાલાવડ અને લાલપુર પંથકમાં હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું ગેરકાયદે વહન કરતા કુલ 6 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. સતત બે દિવસ ચાલેલી આ કડક કાર્યવાહીમાં વિભાગે કુલ રૂ. 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી છે.
30 સપ્ટેમ્બરે ખનીજ વિભાગની ટીમે નિકાવા-કાલાવડ રોડ પર હાથ ધરેલી તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા ત્રણ ડમ્પર અટકાવ્યા હતા. તપાસમાં બે ડમ્પર બિનઅધિકૃત રીતે ખનિજનું વહન કરતા જણાયા હતા, જ્યારે એક ડમ્પર રોયલ્ટી પાસમાં મંજૂર કરાયેલા જથ્થા કરતાં વધુ ઓવરલોડ ખનિજ લઈ જતું હોવાનું સામે આવ્યું હતું. આ કામગીરી દરમિયાન રૂ. 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ભોલેનાથ સ્ટોન ખાતે સોંપવામાં આવ્યો હતો.
ત્યારબાદ 1 ઓક્ટોબરે ઝાંખર પાટીયાથી પડાણા રોડ પર કરાયેલી તપાસ દરમિયાન વધુ ત્રણ ડમ્પર અટકાવવામાં આવ્યા હતા.
જેમાંથી એક ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતું હતું અને અન્ય બે ડમ્પર રોયલ્ટી પાસની ક્ષમતા કરતાં વધુ ઓવરલોડ જણાયા હતા.
આ સ્થળેથી રૂ. 85 લાખનો મુદ્દામાલ સીઝ કરીને રાજશ્રી સ્ટોન ક્રશર ખાતે કબજે સોંપવામાં આવ્યો હતો. આમ, બે દિવસની સઘન ઝુંબેશમાં ખનીજ વિભાગે કાયદાનો ભંગ કરતા વાહનો સામે લાલ આંખ કરીને મોટા પાયે દંડાત્મક પગલાં ભર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt