



કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) રાપર અને ખડીર પંથકના આશરે ત્રણ લાખ લોકો માટે રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હવે સ્થાનિક આરોગ્ય વ્યવસ્થાનું મહત્વનું કેન્દ્ર બની રહી છે. સરહદી અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને ગંભીર સારવાર માટે દૂરના શહેરોમાં જવું ન પડે તે માટે હોસ્પિટલમાં તબીબી સેવાઓ અને જરૂરી સુવિધાઓનો સતત વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આશરે 117 ગામો ઉપરાંત પોલીસ, સરહદે ફરજ બજાવતા આર્મીના જવાનો તથા વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે પણ આ હોસ્પિટલ ઉપયોગી બની રહી છે.
હાલ 100 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં ગાયનેકોલોજી, એનેસ્થેસિયા અને આંખના સર્જરી વિભાગના નિષ્ણાત તબીબો સહિત મેડિકલ ઓફિસરો સેવા આપી રહ્યા છે. તેમની સાથે નર્સિંગ, લેબોરેટરી, એક્સ-રે, ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ સ્ટાફની ટીમ કાર્યરત છે. આ તબીબી માળખાના કારણે દર્દીઓને સ્થાનિક સ્તરે વિવિધ પ્રકારની સારવાર ઉપલબ્ધ બની છે.
હોસ્પિટલની તાજેતરની કામગીરી પર નજર કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં 450 પ્રસૂતિ કરાવવામાં આવી છે. તેમાં 50 પ્રસૂતિ સિઝેરિયન ઓપરેશન દ્વારા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 250થી 300 દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવે છે, જ્યારે 30થી વધુ દર્દીઓ દૈનિક ધોરણે દાખલ થાય છે. આ સમયગાળા દરમિયાન 11 હજારથી વધુ લેબોરેટરી ટેસ્ટ તથા અંદાજે 550થી 600 એક્સ-રે કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમની સુવિધા ઉપરાંત આશરે 130 મેડિકો-લીગલ કેસની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
આગામી સમયમાં હોસ્પિટલની સારવાર ક્ષમતા વધુ વિસ્તરવાની છે. ડાયાલિસિસ યુનિટ તૈયાર થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં સારવાર શરૂ થવાની છે. બ્લડ સ્ટોરેજ યુનિટ પણ તૈયાર છે અને જરૂરી સ્ટાફની ફાળવણી બાદ તેનો લાભ દર્દીઓને મળશે.
દરમિયાન પ્રાગપર ચાર રસ્તા નજીક 45 રૂમ અને આધુનિક તબીબી સાધનો સાથે નવા હોસ્પિટલ ભવનનું નિર્માણ ચાલી રહ્યું છે. ભવન આગામી ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થવાની શક્યતા છે અને ત્યારબાદ નવી સુવિધાઓ સાથે હોસ્પિટલ વધુ વિસ્તૃત રીતે દર્દીઓની સેવા કરશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar